ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબરી, ગુજરાત સરકાર 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરશે, ડિસેમ્બર ૨૦૨૪ સુધીમા ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે

teacher-recruitment

વર્ષ 2011થી 2023 સુધીમા પરીક્ષા પાસ કરનારાઓ ઉમેદવારોને તક મળશે
રાજ્યમાં 42759 શિક્ષકોની જગ્યા ખાલી હતી તેમાં 24 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે.

રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખે વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટે કાર્યવાહી કરવામાં આવશે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની આશરે 1200 અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાત તા. 01/08/2024 રહેશે.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને મળ્યા હતા તેઓએ એવું કહ્યું કે, શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે તેથી હવે શિક્ષક ભરતીના સમાચાર સામે આવતા લોકોને રાહત થઇ છે.