160 કિમી/કલાકની ઝડપ અને વિમાન જેવી સુવિધાઓથી સજ્જ વંદે ભારત સ્લીપર ટ્રેનનું 15મી ઓગસ્ટે ટ્રાયલ રન
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સતત તાબડતોડ કામ થઈ રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે બે નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જે મુજબ વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા પર દોડતી થઈ જશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની 15મી ઓગસ્ટે ટ્રાયલ રન લેવામાં આવશે.
લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારત ચેર કાર ટ્રેનને સફળતા મળ્યા બાદ ભારતીય રેલ્વે હવે વંદે ભારત એક્સપ્રેસને સ્લીપર કોચ સાથે શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે દ્વારા શહેરો વચ્ચે ટૂંકા અંતરની ટ્રેન પણ વહેલી તકે દોડતી કરવામાં આવશે જે વંદે મેટ્રો તરીકે ઓળખાશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. વંદે સ્લીપર ટ્રેનમાં રાજધાની એક્સપ્રેસ તેમજ તેજસ એક્સપ્રેસ કરતા પણ વધુ સારી સુવિધા હોવાનું જાણવા મળે છે.
રેલવેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. જે ટ્રેનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે. તેની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, આ ટ્રેન મુસાફરોને ફ્લાઈટ જેવી અનુભૂતિ આપવા જઈ રહી છે. રેલવેના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ ટ્રેનોની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ મુસાફરો તેમાં મુસાફરીનો આનંદ માણી શકશે. બીઇએમએલ લિમિટેડ દ્વારા બેંગલુરુમાં તેના રેલ્વે યુનિટમાં ટ્રેન સેટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયત
લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારત સ્લીપર ટ્રેનને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. લોકોની મુસાફરી આરામદાયક રહે તેવી રીતે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધોરણો પર કરવામાં આવ્યું છે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ ક્લાસ એસી અને થર્ડ ક્લાસ એસી એમ ત્રણ પ્રકારના કોચ લગાવવામાં આવશે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓ હશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનની મેક્સિમમ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે શરૂઆતની સ્પીડ 140 કિમી રહેશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કૉચ રહેશે. જેમાં 11 એસી થ્રી ટિયર, 4 એસી ટૂ ટિયર તેમજ 1 એસી ફર્સ્ટ ક્લાસનો કૉચ જોડવામાં આવશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ પ્રવાસીઓની બર્થ ક્ષમતા 823 પ્રવાસીઓની રહેશે. એટલે કે એક સમયે વધુમાં વધુ 823 મુસાફરો યાત્રા કરી શકશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં બર્થમાં વધારાનું કુશન તેમજ દરેક બર્થનાં પડખામાં કુશન લગાવેલા હશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને આરામદાયક સીટ, સેન્સર લાઇટ, મિડલ અને અપરની બર્થ પર ચઢવા માટે સીડીની સુવિધા મળશે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આખોને પસંદ આવે તેવુ ઈન્ટિરિયર હશે. તમામ લાઇટ સેન્સરથી સજ્જ હશે. ટ્રેનમાં બાયો ટોયલેટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં ટોયલેટમાં નહાવા માટે શાવરની સુવિધા પણ મળી રહેશે.
વંદે મેટ્રો ટ્રેનની ખાસિયત
- વંદે મેટ્રો ટ્રેનને શહેરો વચ્ચે ઈન્ટરસિટી ટ્રેનની જેમ EMU ટ્રેનનાં સ્થાને દોડાવાશે.
- વંદે મેટ્રો ટ્રેનમાં અલગ એન્જિનની જરૂર નહીં પડે. તેમાં ટ્રેનની બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે.
- વંદે મેટ્રો ટ્રેન કલાકનાં 130 કિ.મીની ઝડપે દોડશે.
- વંદે મેટ્રો ટ્રેનમાં દરેક કૉચમાં 100 પ્રવાસીઓને બેસવાની સુવિધા પ્રવાસીઓ માટે આરામદાયક સીટો 200 પ્રવાસીઓ એક કૉચમાં ઊભા રહી શકે તેવી સુવિધા હશે.
- વંદે મેટ્રો ટ્રેનમાં એન્ટિ કોલાઈઝન કવચ સિસ્ટમથી સજ્જ એક ટ્રેનમાં 12 અથવા 16 કૉચ
- વંદે મેટ્રો ટ્રેનમાં પ્રવાસીઓ માટે ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા હશે.
- વંદે મેટ્રો ટ્રેનમાં મોબાઈલ માટેનાં ચાર્જિંગ પોઈન્ટ તેમજ રૂટ ઈન્ડિકેટર ડિસ્પ્લે પણ હશે.
દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવા રેલવેની તૈયારી
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રેલવે દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેન લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-મથુરા, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરમીઓમાં મુસાફરોને પડતી અગવડોને ધ્યાનમાં રાખીને અધિકારીઓને યુદ્ધના સ્તરે કામ કરવાના નિર્દેશ આપ્યા છે. જેમાં ટ્રેનોમાં નોન-એસી સ્લીપર અને રિઝર્વેશન વગરના કોચની સંખ્યા વધારવા તથા એરકન્ડિશન્ડ કોચોમાં એરકન્ડિશનિંગ સિસ્ટમ બગડેલી હોવાની ફરિયાદો દૂર કરવાનો સમાવેશ થાય છે.