રાહુલે કહ્યું-મારી બહેન પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડી હોત તો પીએમ મોદી 2 – 3 લાખ વોટથી હારી જાત

rahul-gandhi

રાયબરેલીમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામને લઈને કર્યો દાવો

લોકસભા ચૂંટણીમાં જીતના એક અઠવાડિયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી 11 જૂન મંગળવારે પહેલીવાર રાયબરેલી પહોંચ્યાં હતાં. જ્યા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ વારાણસી સીટથી ચૂંટણી લડ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા અંતરથી હરાવી દેત.

રાહુલ ગાંધીએ રાયબરેલીમાં એક સભામાં કહ્યું, જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડ્યાં હોત તો આજે ભારતના વડાપ્રધાન બે-ત્રણ લાખ મતથી વારાણસીમાં ચૂંટણી હારી ગયા હોત. તેમણે કહ્યું કે, હું આ વાત અહંકારમાં નથી કરી રહ્યો, એટલા માટે કહું છું કેમકે વડાપ્રધાનને ભારતની જનતાએ મેસેજ આપ્યો છે કે તમારી રાજનીતિ અમને પસંદ નથી પડી અને અમે તેના વિરુદ્ધમાં છીએ. અમે નફરત વિરુદ્ધ છીએ, હિંસા વિરુદ્ધ છીએ.

https://x.com/INCIndia/status/1800507358797590644

રાહુલે કહ્યું- મોદી અને શાહ દેશના પાયા સાથે રમત રમી રહ્યા છે, તેથી દેશ એક થઈ ગયો. દેશના વડાપ્રધાન હિંસાની રાજનીતિ કરે છે એ પહેલીવાર જોવા મળ્યું. જનતામાં નફરત ફેલાવે છે. ત્રણ ઉદ્યોગપતિને ફાયદો કરાવે છે.

રાહુલે કહ્યું- તમે જોયું, તેઓ (ભાજપ) અયોધ્યા બેઠક હારી ગયા. અયોધ્યા મંદિર બનાવ્યું, પરંતુ ઇનોગ્યુરેશન વખતે એકપણ ગરીબ ન હતો. દેશના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે તમે અહીં ન આવી શકો.

રાહુલ ગાંધીએ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ અને સભ્યો અને અમેઠી તેમજ રાયબરેલીની જનતાનો આભાર માનવા માંગુ છું કે તેમણે અમને જીતાડ્યા. આ વખતે કોંગ્રેસ પાર્ટી અમેઠી, રાયબરેલી, ઉત્તર પ્રદેશ અને દેશભરમાં એક થઈને લડી. હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે આ વખતે તમારા નેતાઓએ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ચૂંટણી લડી.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, તમે અમેઠીમાં કિશોરીલાલ શર્માને, રાયબરેલીમાં મને અને ઉત્તરપ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનના સાંસદોને જીતાડ્યા. તમે આખા દેશની રાજનીતિ બદલી નાખી.

રાહુલે કહ્યું કે, તમે ફોટો જોયો હશે કે નરેન્દ્ર મોદીએ બંધારણને પોતાના માથે લગાવી રહ્યાં છે. આ દેશની જનતાએ કરાવ્યું છે. દેશના વડાપ્રધાનને જનતાએ સંદેશ આપ્યો છે કે જો તમે બંધારણ સાથે રમત રમી તો સારું નહીં થાય. દેશના વડાપ્રધાનને જનતાએ સંદશ આપ્યો કે જો તેઓ બંધારણને હાથ લગાવશે તો જુઓ લોકો તેમની શું સ્થિતિ કરશે.