અત્યાર સુધી ક્યાં હતા તેના જવાબમાં રુપાલાએ કહ્યું કે ‘હું સતત તંત્રના સંપર્કમાં હતો’
આમા દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી થશે. સસ્પેન્શને હું કાર્યવાહીનો એક ભાગ ગણું છું. કાર્યવાહીનું પરિણામ નથી ગણતો.
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. ત્યારે છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં રહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે (28મી મે) રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પરંતું અહીં મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિવારજનોએ રૂપાલાને ઘેરીને અનેક સવાલો કર્યા હતા.
રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે આજે રાજકોટના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ હાજર હતા. બંને સાંસદોએ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળ્યા અને તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી. રૂપાલાએ તેમને પડતી મુશ્કેલી પણ સાંભળી હતી અને જે કંઈપણ ક્ષતિ સામે આવી છે તેને દૂર કરવા જણાવ્યુ હતુ.
રૂપાલા ઘટનાના 54 વિતી ગયા બાદ પરિજનોને મળવા કેમ આવ્યા આવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે ઘટનાના બીજા દિવસ સવારના 8 વાગ્યાથી એમ્સમાં હું મુખ્યમંત્રીની સાથે જ હતો અને સમગ્ર ઘટનાનુ હું બહારથી મોનિટરીંગ કરી રહ્યો છુ અને મારુ પોતાનું એવુ માનવુ છે કે સંબંધિત વિભાગો આના પર બને એટલી ઝડપથી કાર્યવાહી કરી રહ્યા છે.આ સ્થળે હું નથી આવ્યો તેની પાછળ મારુ એવુ માનવુ છે કે આ બધી પ્રક્રિયા ચાલી રહી છે તેને થોડુ ઘણુ વ્યવધાન થાય છે. પરંતુ હું સતત તંત્રના સંપર્કમાં હતો. અહીં આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાયેલો હતો. પહેલા દિવસે હું મુખ્યમંત્રીને રુબરુ મળ્યો હતો. આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી. બીજા દિવસે પણ હું મુખ્યમંત્રી સાથે જ હતો.
પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, આજે છેલ્લી સ્થિતિએ ડેડ બોડીના ડીએનએ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે. કેટલો સમય લાગશે અને એમની શુ સ્થિતિ છે તેની વિગતો લેવાના આશયથી અમે અહીં આવ્યા છીએ. અમે અહીંના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.
રૂપાલાએ જણાવ્યું કે, 27 બોડી સ્થળ ઉપરથી મળી છે. થોડા છૂટા અંગો સાથેની પણ એક બોડી ત્યાંથી મળી છે. 27ના ડીએનએ ત્યાં પહોંચાડવામાં આવ્યા છે. તેમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા તેમના બધાના પહોંચાડી દીધા છે. તેમાંથી 17નું મેચિંગ થઇ ગયું છે. અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે. જે કરવામાં આવી રહ્યું છે.
રૂપાલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી પોતે તેમાં અંગત રસ લઇ રહ્યાં છે અને તેમની ઓફિસ દ્વારા જે ડે ટૂ ડેનું મોનિટરિંગ થઇ રહ્યું છે, એ જોતા મને એવું લાગી રહ્યું છે કે, આમા દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી થશે. સસ્પેન્શને હું કાર્યવાહીનો એક ભાગ ગણું છું. કાર્યવાહીનું પરિણામ નથી ગણતો. ગેમ ઝોનને લઇને નવા નિયમો બનશે પણ એ લાંબી પ્રક્રિયા છે. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં 4 વર્ષથી ધમધમતું હતું કેટલું વ્યાજબી છે. એ પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઇ ગયો છે. આ વ્યાજબી ન હતું એટલા માટે જ મુખ્યમંત્રીએ સીટની રચના કરી છે.
રૂપાલાએ જણાવ્યું કે, પરિવારજનોની લાગણીને જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચાડીશું જ પણ તેમની લાગણીને અનુરુપ એક્શન આવે એ દિશાના પ્રયાસો પણ કરીશું. આવી આકસ્મિક દુર્ઘટના કોઇ અપેક્ષિત હોતી નથી. આના ઘણા બધા પરિમાણો હોય છે. તેના કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઇ ક્ષતિ રહી ગઇ હોય તેને મોટી ભૂલ તરીકે નહી જોઇએ. ધ્યાને આવ્યું એટલે તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરાયો છે.
ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે લોહીની જરૂર હોય છે. પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાંને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મૃતકોના હાડકાંને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ પહોંચાડાયા હતા.