વર્ષ 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટ રદઃ કલકત્તા હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

culcutta-highcourt

પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો, 5 લાખ OBC પ્રમાણપત્રો કર્યા રદ

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કલકત્તા હાઈકોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. જે મુજબ 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટે 2011થી જારી કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્ણય કર્યો છે. કલકત્તા હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું હતું કે મમતા બેનરજી સરકારે 2011માં જે રીતે ઓબીસી સર્ટિફિકેટ જારી કર્યા હતા તે ગેરકાયદેસર હતા..

એક અરજી પર સુનાવણી દરમિયાન મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો ઉપયોગ રોજગારની પ્રક્રિયામાં કરી શકાશે નહીં. એટલે કે હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. હાઈકોર્ટના આ આદેશથી આશરે 5 લાખ OBC સર્ટિફિકેટ રદ થઇ ગયા છે. જોકે જે લોકો આ ચુકાદા પહેલા OBC સર્ટિફિકેટનો લાભ લીધો છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર થશે નહી.

નોકરીમાં લાભ લેવા માટે આ પ્રમાણપત્ર હવે માન્ય રહેશે નહીં. જોકે કોર્ટે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા સર્ટિફિકેટ દ્વારા નોકરી મેળવનારાઓની નોકરી પર કોઈ સંકટ રહેશે નહીં અને તે પહેલાની જેમ જ રહેશે.

કલકત્તા હાઈકોર્ટના જસ્ટીસ તપોબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથરની બેંચે કહ્યુ કે 2011થી પ્રશાસને કોઈ પણ નિયમનુ પાલન કર્યા વગર ઓબીસી સર્ટિફિકેટ જારી કરી દીધા છે. આ રીતે ઓબીસી સર્ટિફિકેટ આપવું ગેરબંધારણીય છે. આ પ્રમાણપત્રો પછાત વર્ગ આયોગની કોઈ સલાહને માન્યા વિના જારી કરવામાં આવ્યા હતા. આથી આ તમામ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.

કોલકાતા હાઈકોર્ટે 2010 પછી બનેલી OBC યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે OBCની નવી યાદી તૈયાર કરશે.

હાઈકોર્ટે જે આધારે આ આદેશ આપ્યો હતો તે કેસ વર્ષ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફથી વકીલ સુદીપ્તા દાસગુપ્તા અને વિક્રમ બેનરજી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે ડાબેરી મોરચાની સરકારે 2010માં વચગાળાના અહેવાલના આધારે પશ્ચિમ બંગાળમાં ‘અન્ય પછાત વર્ગો’ની રચના કરી હતી. તે કેટેગરીને ‘ઓબીસી-એ’ નામ આપવામાં આવ્યું હતું.