ગુજરાતની 25 બેઠક પર આજે મતદાનઃ પીએમ મોદી સહીત ભાજપ-કોંગ્રેસનાં અનેક મોટા નેતાઓ અને નાગરિકોએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય નાગરિકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આનંદીબેન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરશોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતાઓએ પણ મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતુ. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ ઘરેથી નીકળીને ભારે ઉત્સાહથી અને વધુમાં વધુ મતદાન કરે.

મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં મતદાન એ સામાન્ય દાન નથી. દેશવાસીઓ વધુમાં વધુ મતદાન કરે. આજે લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. તમને તમામને ખૂબ ખૂબ શુભકામના.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહે તેમના પરિવાર સાથે આજે નારણપુરા ખાતે મતદાન કર્યું.

રાજકોટ બેઠકનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રૂપાલાએ પરિવાર સાથે અમરેલીનાં ઈશ્વરીયા ગામે મતદાન કર્યું હતું. પરશોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં દીકરા અનુજ પટેલ સાથે મતદાન કર્યું હતું. તેમની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

આજરોજ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. સાથે લોકો પણ ભારે ઉત્સાહથી મતદાન કરે તેવી અપીલ કરી હતી.

ભાજપ ગુજરાત પ્રમુખ અને નવસારી ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કર્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું મતદાન

રાજકોટમાં આજે સવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર હરિહર સોસાયટીમાં મતદાન કર્યું હતું.

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. ગેનીબેને બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.

રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.

કોગ્રેસ નેતા શકિતસિંહ ગોહીલે ગાંધીનગરમાં કર્યુ મતદાન

પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. તેઓ ધોરાજીની આદર્શ સ્કૂલ મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.

આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયા અને ભાનુબેન બાબરીયાએ રાજકોટની સાધુ વાસવાણી રોડ ખાતેની શાળામાં મતદાન કર્યું હતું.

જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વેરાવળ પાસે સૂપાસી ગામમાં મતદાન કર્યું હતું.