કોટક મહિન્દ્રા બેંકના શેરમાં એક દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો
રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાના નવા ગ્રાહકના ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રોક લગાવી
RBI દ્વારા કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરતા બેંકને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકો જોડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. RBIની કાર્યવાહી બાદ આજે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી બાદ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના શેર તૂટ્યા છે. BSE પર કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઘટીને રૂ. 1675 પર ખૂલ્યો હતો. અને થોડાક જ સમયમાં તે 12 ટકા ઘટીને 1620 રૂપિયાએ પહોંચી ગયો હતો. જો કે ત્યારબાદ શેરમાં સુધારો થતા તે 1689એ પહોંચ્યો હતો. આજે સવારે 11:30 વાગ્યા પછી 10 ટકાના ઘટાડા સાથે શેરનો ભાવ 1658.20 રૂપિયા થયો હતો.
તેનું એક કારણ એ છે કે કોટક મહિન્દ્રા બેંક નવા ગ્રાહકો ઉમેરવા માટે ઓનલાઈન માધ્યમ પર વધુ નિર્ભર હતી. કોઈપણ રીતે, આરબીઆઈના પગલાએ ટૂંકા ગાળા અને મધ્યમ ગાળામાં કોટકના શેરના ભાવની સંભાવનાઓને અસર કરી છે. જો બેંક નવા ગ્રાહકો નહીં ઉમેરે કે ક્રેડિટ કાર્ડ જાહેર નહીં કરે તો તેની વૃદ્ધિને અસર થશે. એટલું જ નહીં તે તેની વ્યાજની આવક (નેટ ઈન્ટરેસ્ટ માર્જિન) પર પણ અસર કરશે. તેથી ઘણી બ્રોકરેજ કંપનીઓએ કોટક મહિન્દ્રા બેંકના શેર માટે લક્ષ્યાંક કિંમત ઘટાડવાનું શરૂ કર્યું છે.
RBIએ શા માટે કાર્યવાહી કરી?
રિઝર્વ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ આ કાર્યવાહી કરી છે. કોટક મહિન્દ્રા બેંકની નાણાકીય સ્થિતિ સારી ન હતી અને તેમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક નવા ગ્રાહકો ઉમેરવા અને કોઈપણ પ્રકારનું ક્રેડિટ કાર્ડ ન આપવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈએ આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. અખબારી યાદી અનુસાર, IT જોખમ સંચાલન માળખામાં ખામીઓ જોવા મળી હતી.
આરબીઆઈનો નિર્ણય 2022 અને 2023 માટે સતત બે વર્ષનાં મોનિટરિંગ પછી આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, આરબીઆઈને બેંકમાં ઘણી નોંધપાત્ર ખામીઓ અને બિન-અનુપાલન જોવા મળ્યા હતા. બેંક આ ચિંતાઓને વ્યાપક અને સમયસર ઉકેલવામાં નિષ્ફળ રહી.
આરબીઆઈએ આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ અને ચેન્જ મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીકેજ નિવારણ વ્યૂહરચનાઓ, બિઝનેસ સાતત્ય અને આપત્તિ પુન:પ્રાપ્તિની સખતાઈ અને કવાયત જેવા ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ નોંધી છે.