આજે સમગ્ર વિશ્વમાં રામ નવમી તહેવારની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. આજે નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. ત્યારે આજે રામ લલ્લાના લલાટ પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી છે.
આજે રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક કરવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. સૂર્યની કિરણો રામ લલ્લાની લલાટ પર પડી તેમનું લલાટ ઝગમગી ઉઠ્યું હતું. રામ લલ્લાના સૂર્ય તિલક પહેલા દિવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સૂર્યનું પ્રથમ કિરણ રામલલાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી અને શુભ ભજનો ગાવામાં આવ્યા હતા.
આ રીતે સૂર્ય તિલક કરવામાં આવ્યું
અયોધ્યાના રામ મંદિરમાં બપોરે 12 વાગ્યે વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરીને રામલલાના કપાળ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્યના કિરણો એક દર્પણથી ટકરાવ્યા પછી બ્રાસના પાઈપના સહારે બીજા દર્પણ તરફ ગયા હતા. ત્યારબાદ બીજા દર્પણથી ટકરાઈને ત્રીજા દર્પણ બાજુ ગયા હતા. સૂર્યના કિરણો દર્પણથી ટકરાઈને સીધા પાઈપના મુખથી નીકળીને સીધા રામ લલ્લાના લલાટ પર પહોંચ્યા હતા. બપોરે બરાબર 12 વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું. સૂર્ય તિલક બાદ ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી. રામનવમીના દિવસે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ અવસરે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી હતી.
રામલલ્લાને સોના ચાંદીની કારીગરી વાળા ખાદીના વિશેષ પોશાક પહેરાવવામાં આવ્યા
500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આજે શ્રી રામને સૂર્ય તિલક કરાયો છે. આજે આ શુભ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા રંગનો છે. રામ નવમી પર રામલલ્લાને સોના ચાંદીની કારીગરીના ખાદીના વિશેષ પોશાક પહેરાવવામાં આવ્યા હતા. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારી અનુસાર રામ નવમીના રોજ પ્રભુ રામને 56 વ્યંજનોનો ભોગ લગાવવામાં આવશે.
ભગવાન રામનો કરાયો અભિષેક
આજે ભગવાન રામના જન્મદિવસને લઇને ભગવાન રામને અનોખો સાજ શણગાર કરાયો . તે પહેલા દૂધ સહિત પાંચ દ્રવ્યોથી તેમનો અભિષેક કરાયો હતો. મંત્રોચ્ચાર સાથે પ્રભુનો અભિષેક કરાયો હતો. બુધવારે સવારે સૌથી પહેલા રામલલ્લાને દિવ્ય સ્નાન કરાવવામાં આવ્યું હતું. પંચામૃત સ્નાન કર્યા બાદ રામલલાને અત્તરનો લેપ કરાયો હતો. આ પ્રસંગે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામ લલ્લાને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યો હતો. સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રામ નવમીનો મેળો છે. ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે અને આજે બધું ખાસ છે.
શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા
રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વાર સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા અને કહેવાય છે કે રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે ચાર દિવસ વીઆઈપી દર્શન પાસ, મંગલા આરતી પાસ, શૃંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રખાઈ છે. સુગરિવના કિલ્લાની નીચે, બિડલા ધર્મશાળાની સામે શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા છે, જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.
અયોધ્યા શહેરમાં લગભગ સો મોટી એલઇડી સ્ક્રીનો દ્વારા જન્મોત્સવનું પ્રસારણ
શ્રી રામ જન્મોત્સવનું પ્રસારણ અયોધ્યા શહેરમાં લગભગ સો મોટી એલઇડી સ્ક્રીનો દ્વારા કરવામાં આવશે. ટ્રસ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ અવરોધો મૂકીને ભક્તોને દર્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
પીએમ મોદીએ હેલિકોપ્ટરમાં ટેબલેટ પર રામ લલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (17 એપ્રિલ) આસામના નલબારીમાંથી રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા હતા. તેઓ અહીં ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સમય કાઢીને રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યા હતા અને કહ્યું કે આ દરેક માટે પરમાનંદની ક્ષણ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૂર્ય તિલકના દર્શનની તસવીરો શેર કરી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૂર્ય તિલકના દર્શનની તસવીરો શેર કરી છે. આમાં તેઓ હેલિકોપ્ટરમાં ટેબલેટ પર રામ લલ્લાના દર્શન કરતા જોઈ શકાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “નલબારીની સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનન્ય ક્ષણના સાક્ષી બનવાનો લહાવો મળ્યો. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક છે. વિકસિત ભારતનું પ્રતિક તે દરેક સંકલ્પને પોતાની દૈવી ઉર્જાથી આ રીતે પ્રકાશિત કરશે.