રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈ નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા
લોકસભા ચૂંટણીના આડે હવે થોડાક જ દિવસ બાકી છે જેને લઈને દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરુ કરી દેવાયો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યુ ત્યારથી ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે તેમણે રાજકોટમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો.
પાટીદારોના ગઢ ગણાતા રાજકોટમાં કુવાડવા રોડ પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. કુવાડવા રોડ પર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી ભાજપને વિજયી બનાવવા માટે પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. પરષોત્તમ રુપાલાના ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. પ્રચાર દરમિયાન રુપાલાને ઠેર-ઠેર હાર પહેરાવવામાં આવ્યા હતા.
રાજ્ય સભા સાંસદ રામ મોકરિયાની કારમાં પ્રચાર માટે નિકળ્યા હતા. તેમની સાથે મોહન કુંડારિયા, ઉદય કાનગડ, ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા અને ભરત બોઘરા સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. પરસોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયા ખુશ ખુશાલ જોવા મળ્યા હતો,બીજી તરફ મોહન કુંડારિયા પર ઘોર કરીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. હાલ રાજકોટમાં રૂપાલાને જીતાડવાને લઈ નેતાઓએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.
ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હોવાથી આજે રુપાલાના પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. પ્રચાર દરમિયાન રુપાલા સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના જયરામ પટેલને પણ મળ્યા હતા. પરષોત્તમ રુપાલાએ લગભગ પાંચ કિ.મી. જેટલી પદયાત્રા કરી હતી અને ભાજપને જીતાડવા તેમજ રાજકોટ લોકસબા બેઠક પરથી તેમને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. પ્રચારમાં ઢોલ નગારાના તાલે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટમા ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા એ રાજકોટના સ્થાનિક આગેવાનો અને કાર્યકારો સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો.ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં ભાજપની રણનીતિ વિશે વાર્તાલાપ કર્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય રીતે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 16 એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.