ભાજપને વોટ આપીને નરેન્દ્ર મોદીને વિજયી બનાવવા ભારતમાં વસતા પોતાના મિત્રો-સ્નેહીઓને કરી અપીલ
ચાહકોએ હૉલિવૂડ સાઈન ખાતે ‘મોદી ધી સ્ટાર ઑફ ઈન્ડિયા’ની સાઈન મૂકી
ભારતમાં લોકસભા ચૂંટણીનો રંગ બરાબર જામી રહ્યો છે. સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણી ઉપર છે. ભારતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે અને આ નારા હેઠળ સમગ્ર દેશમાં પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે હવે ‘અબ કી બાર 400 પાર’ના નારાની ગુંજ અમેરિકામાં પણ સંભળાઈ રહી છે.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ સ્થિત હૉલિવૂડ કોનાર્ક થીયેટર ખાતે ‘ઑવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતો ની ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોદી સરકારના સાહસિક કાર્યો, યોજનાઓ, વેપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધીઓ તેમજ તેના થકી દેશની વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા વિશે ચર્ચા કરવામાં આવી હતી. હોલિવૂડના કોનાર્ક થિયેટર્સ ખાતે પીએમ મોદીના ચાહકોએ ‘મોદી ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ની સાઇન મૂકી હતી.
આ કાર્યક્રમમાં ‘ઑવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ વેસ્ટ ઝોનના કૉ-ઓર્ડિનેટર પી.કે. નાયકે જણાવ્યું કે, ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો મોદીયુગ બની રહેશે. મોદી સરકારે પ્રામાણિક્તાથી કામ કરતાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદી સનાતન ધર્મના રક્ષક છે. આથી ભાજપને વોટ આપીને નરેન્દ્ર મોદીને વિજયી બનાવવા માટે અહીં વસતા ભારતીયોએ ભારતમાં વસતા પોતાના મિત્રો અને સ્નેહીઓને અપીલ કરી છે.
આ કાર્યક્રમમાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું કે, કોરોના જેવું સંકટ આવ્યું તે સમયે દુનિયા વિચારતી હતી કે ભારત બરબાદ થઈ જશે. પરંતુ મોદી સરકારે આ કટોકટીનો હિંમતપૂર્વક સામનો કર્યો અને આવી કપરી પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવી. ભાજપે દેશને પ્રથમ દલિત-આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે.
આ અવસરે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્કના વાઈસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, મોદી સરકારમાં હિન્દુઓની આસ્થાના કેન્દ્રસમા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. આ સાથે જ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. 2014 પછી મોદીએ ગરીબી હટાવવા નોંધપાત્ર કામ કરીને સમગ્ર વિશ્વમાં ભારતીયોનું સમ્માન વધાર્યું છે. જ્યારે મુસ્લિમ બહેનો ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. ભ્રષ્ટાચારની કાર્યવાહીમાં EDએ દસ વર્ષમાં ભ્રષ્ટાચારીઓ પાસેથી રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ગેરંટી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત એટલે કે લોકોની આવક વધશે. નોકરીની તકો વધશે. ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમેરિકામાં શીખ સમુદાયે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ વાહનો પણ ભાજપના ‘અબ કી બાર 400 પાર’ના નારાને સમર્થન આપતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોએ કારમાં ભાજપનો ધ્વજ અને અમેરિકન રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો. ‘અબ કી બાર 400 પાર’ અને ‘તીસરી બાર મોદી સરકાર’ જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા હતા.