મુખ્યમંત્રી અને સામાન્ય માણસ માટે કાયદા સમાન છે: દિલ્હી હાઈકોર્ટ
કેજરીવાલે કાવતરું ઘડ્યું હતું, ધરપકડ કાયદેસર છે: દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા કરાયેલી ધરપકડ અને ઈડી રિમાન્ડને પડકારતી અરજી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી. આજે દિલ્હી હાઈકોર્ટે ચૂકાદો આપતા કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કેજરીવાલની ધરપકડને કાયદેસર માની છે. ઈકોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે ઈડીના તથ્યો મુજબ કેજરીવાલ આ કૌભાંડમાં સામેલ છે. આ અરજી જામીન માટે નથી પરંતુ ધરપકડ યોગ્ય છે કે ખોટી તે માટે છે.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ચુકાદો સંભળાવતા કહ્યું કે- આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પરંતુ ઈડી અને કેજરીવાલ વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડ્રિંગના મામલે એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને કોઈ વિશેષાધિકાર ન આપી શકાય. ઈડી પાસે પર્યાપ્ત પુરાવાઓ છે. પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ ગેરકાયદેસર નથી. તપાસમાં પૂછપરછથી મુખ્યમંત્રીને છૂટ ન આપી શકાય. જજ કાયદાથી બંધાયેલા છે, રાજનીતિથી નહીં. હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે.
કોર્ટે કહ્યું કે, ‘ઈડીની દલીલ છે કે અત્યાર સુધીના પુરાવાએ જણાવે છે કે કેજરીવાલ સંયોજક છે, ગોવા ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો.’ કેજરીવાલના વકીલે તેનો વિરોધ કર્યો અને તેમણે શરથ રેડ્ડી અને રાઘવ મુંગતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ કરે છે ન કે તપાસ એજન્સી.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઈડીએ પોતાની દલીલમાં કહ્યું છે કે અરજકર્તા આ સમગ્ર મામલામાં સામેલ છે. આ મામલે અનેક નિવેદન લેવામાં આવ્યા છે, જેમકે રાઘવ મુંગતા અને શરત રેડ્ડીનું નિવેદન. કેજરીવાલે અરજીમાં સરકારી સાક્ષીઓના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. જેના પર હાઈકોર્ટે કહ્યું કે- અપ્રૂવરનું નિવેદન ઈડી નહીં પરંતુ કોર્ટ લખે છે. જો તમે તેના પર સવાલ ઉઠાવો છો તો એનો મતલબ કે તમે જજ સામે સવાલ ઉઠાવી રહ્યાં છો. રેડ્ડીના નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલની પાસે આ અધિકર છે કે તેઓ સાક્ષીઓને ક્રોસ કરી શકે. પરંતુ નીચલી અદાલતમાં ન કે હાઈકોર્ટમાં.
તપાસ કેવી રીતે કરવી તે આરોપી નક્કી નહીં કરે
હાઈકોર્ટે કહ્યું કે તપાસ કેવી રીતે કરવી તે નક્કી કરવાનું કામ આરોપીનું નથી. આરોપીની સગવડ અનુસાર તપાસ ન હોઈ શકે. તપાસ કોઈ વ્યક્તિની સુવિધા મુજબ ન ચાલી શકે. તપાસ દરમિયાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે છે. કોર્ટને રાજનીતિથી મતલબ નથી. મુખ્યમંત્રી માટે સ્પેશ્યલ પ્રીવિલેજ નથી. મુખ્યમંત્રી અને સામાન્ય માણસ માટે કાયદા સમાન છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી તરફથી થયેલી ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે કહ્યું હતું કે ‘આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન અવસર સહિત બંધારણના પાયાની સંરચનાનું ઉલ્લંઘન છે.’ જેના જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે- કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડના કાયદા પર વિચાર કરતા મામલાની તપાસ કરવાની રહેશે. ચૂંટણીની જાહેરાત બાદ થયેલી ધરપકડવાળા તર્ક પર કોર્ટે કહ્યું- આ તર્કને સ્વીકાર કરવાનો અર્થ છે કે તેની ધરપકડને પડકારી ન શકાય, જો આ ચૂંટણીની જાહેરાત સમયે ન થઈ હોત. શું ચૂંટણી દરમિયાન ધરપકડ થઈ હોત તો તે યોગ્ય હોત? ધરપકડનો સમય તપાસ એજન્સી નક્કી કરે છે.