અયોધ્યામાં 48 દિવસમાં એક કરોડથી વધારે લોકોએ રામલલાના દર્શન કર્યા, મક્કા અને વેટિકન સિટીના રેકોર્ડ તૂટ્યા

ayodhya

ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં આ વર્ષે લગભગ 90 લાખ લોકો આવ્યા હતા. જ્યારે મુસલમાનના સૌથી પવિત્ર સ્થાન મક્કામાં ગત વર્ષે એક કરોડ 35 લાખ પહોંચ્યા હતા

ભગવાન રામની પવિત્ર નગરી અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહી છે. રામનગરી અયોધ્યા ધાર્મિક રાજધાની તરીકે ઉભરી રહી છે. ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા બાદ દેશ-વિદેશના રામભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, દરરોજ લગભગ દોઢથી બે લાખ લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. રજાઓ દરમિયાન આ સંખ્યા ઘણી વધારે થઈ જાય છે. તહેવાર દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામ મંદિરની સાથે જ રામનગરી અયોધ્યા વિશ્વના નકશા પર સ્થાપિત થઈ ગઈ છે.

22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલલા રામ મંદિરમાં બિરાજમાન થયા હતા. ત્યારથી લાખોની સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા રામલલાનાં દર્શન માટે પહોંચી રહ્યા છે. તેવામાં છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો એક કરોડથી વધુ લોકોએ રામલલાના દર્શન કરી તેમના આશીર્વાદ લઈ ચૂક્યા છે. અત્યાર સુધી વિશ્વમાં ક્યાય પણ આટલી મોટી સંખ્યામાં ભક્તો કોઈ ધાર્મિક સ્થાને પહોંચ્યા નથી.ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં આ વર્ષે લગભગ 90 લાખ લોકો આવ્યા હતા. જ્યારે મુસલમાનના સૌથી પવિત્ર સ્થાન મક્કામાં ગત વર્ષે એક કરોડ 35 લાખ પહોંચ્યા હતા. રામ મંદિરની વાત કરીએ તો અંહી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આવી સ્થિતિમાં માત્ર દોઢથી બે મહિનામાં જ લગભગ એક કરોડ લોકોએ રામલલાના આશીર્વાદ લીધા છે.

બે મહિનાની અંદર જ આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોએ રામનગરીમાં તેમની હાજરી નોંધાવી હતી. જેના કારણે રામનગરીનો ધંધો તો વિસ્તરી જ રહ્યો છે પરંતુ તેની સાથે રામનગરીની આસપાસ રહેતા લોકોને રોજગારીની અન્ય તકો પણ મળી રહી છે. રામનગરીમાં જ્યાં માત્ર બે જ મહિનામાં એક કરોડથી વધુ લોકોએ દર્શન અને પૂજા-અર્ચના કરી છે તો કલ્પના કરો કે બાકીના 10 મહિનામાં કેટલી મોટી સંખ્યામાં લોકો દર્શન કરશે.

પ્રવાસન અધિકારી રાજેન્દ્ર પ્રસાદ યાદવે જણાવ્યું કે, અયોધ્યામાં પ્રવાસનનો સતત વિકાસ થઈ રહ્યો છે. અયોધ્યા આધ્યાત્મિક રાજધાની બની ગઈ છે. હાલમાં દરરોજ એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ રામલાલના દર્શન કરી રહ્યા છે. શરૂઆતના દિવસોમાં રામ ભક્તોની સંખ્યા ચાર લાખથી અઢી લાખ સુધીની હતી. હાલમાં દરરોજ એકથી દોઢ લાખ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા છે. અયોધ્યાનું પ્રવાસન સતત વધી રહ્યું છે. વિદેશી નાગરિકો અને અપ્રવાસી ભારતીયોનું આગમન પણ શરૂ થઈ ગયું છે.

રામ મંદિર ટ્રસ્ટના કેમ્પ ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ દાવો કરતા કહ્યું કે, સરકારી આંકડાઓનું માનીએ તો 1 કરોડ 25 લાખથી વધુ રામ ભક્તોએ રામ લલ્લાના દર્શન અને પૂજા કરી છે. ભૂતકાળમાં ભારત વિશ્વ ગુરૂ હતો જેની રાજધાની અયોધ્યા હતી. આવું જ કંઈક ફરી થઈ રહ્યું છે. હિન્દુ સમાજ માટે આ ખૂબ જ સારી વાત છે. રામલલાની જન્મજયંતિ દરમિયાન એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, દરરોજ રામભક્તોની સંખ્યા 5 થી 10 લાખ રહેશે જે રામલલાના દર્શન કરશે.

ચંપત રાયે જણાવ્યું કે, 48 દિવસમાં અંદાજે 1થી 1.25 કરોડ રામ ભક્તોએ દર્શન અને પૂજા-અર્ચના કરી છે. રામ મંદિરમાં રામ ભક્તોની ગણતરી ટેક્નોલોજીના આધારે કરવામાં આવે છે. સીસીટીવી કેમેરામાં એવા ઘણા સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેના દ્વારા આંકડાની ગણતરી કરવામાં આવે છે. રામ ભક્તો દરરોજ 14 કલાક રામ મંદિરમાં રામલલાના દર્શન કરે છે. દરરોજ સવા લાખથી દોઢ લાખ લોકો આવી રહ્યા છે. એક સામાન્ય રામ ભક્તને દર્શન અને પૂજા કરવામાં એક કલાકનો સમય લાગે છે.