ઈડીએ આજે કોર્ટમાં રિમાન્ડ માગ્યા ન હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું
દિલ્હી લીકર પોલિસી કેસમાં કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 15 દિવસ વધારી
દિલ્હી લીકર પોલીસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે ઈડી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ઈડીએ આજે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ માગ્યા ન હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટે સુનાવણી દરમ્યાન કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ત્યારે હવે કેજરીવાલને 15 દિવસ તિહાડ જેલમાં રહેવુ પડશે. કેજરીવાલને તિહારની જેલ નંબર 2માં રાખવામાં આવશે.
આજે કોર્ટમાં હાજરી આપવા જતી વખતે અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે પીએમ મોદી જે કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી જે 1 એપ્રિલ સુધી આગળ વધારવામાં આવી હતી તે આજે 1 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી. જેથી ઈડી દ્વારા કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કેજરીવાલને 15 દિવસ તિહારની જેલ નંબર 2માં વિતાવવા પડશે. સુનાવણી દરમિયાન કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હીના મંત્રી આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતાં.
કેજરીવાલને તિહારની જેલ નંબર 2માં રાખવામાં આવશે. કેજરીવાલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને જેલમાં દવાઓ અને પુસ્તકો લઈ જવાની છૂટ આપવામાં આવે, જેમાં રામાયણ, ભગવત ગીતા અને નીરજા ચૌધરીની પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ છે. આ સાથે તેમણે પત્ની સુનીતા કેજરીવાલ અને તેમની સરકારમાં મંત્રી આતિશીને મળવાની છૂટ આપવાની પણ માગ કરી હતી.
જેલમાં કેજરીવાલને ટીવી જોવાની મંજૂરી આપવામાં આવી છે. તદઉપરાંત તેઓ ડાયાબિટીસ હોવાથી બિસ્કીટ તેમજ હળવો નાસ્તો સાથે રાખી શકશે. તેમના માટે 24 કલાક ડોક્ટર્સ પર ઉપલબ્ધ રહેશે. અઠવાડિયામાં બે વાર અગાઉથી નક્કી કરેલા સભ્યોને મળી શકશે.
કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ઈડીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માગ કરતાં કહ્યું કે અમારી પૂછપરછ પતી ગઈ છે. કેજરીવાલ અમને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. અમારા સવાલોના ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. તેઓ અમને ગેરમાર્ગે દોરે છે. એએસજી રાજુએ કહ્યું હતું કે કેજરીવાલ તેમના ફોનનો પાસવર્ડ શેર નથી કરતા. અમે પછીથી તેમની કસ્ટડીની માગ કરીશું. આ અમારો અધિકાર છે. આ સાથે ઈડીએ કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી.
તિહાર જેલમાં એક મીટિંગ યોજાઇ હતી
કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મીટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આજે પણ 11 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક નક્કી કરવામાં આવી હતી. છેલ્લી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવે છે તો તેમને કયા જેલ નંબરમાં રાખી શકાય છે. તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ છે.
તિહાર જેલ નંબર 2
આ જેલ સુરક્ષાની દૃષ્ટિએ ચુસ્ત ગણાતી હોવાથી અહીં મોટાભાગના હાઈપ્રોફાઈલ લોકોને લાવવામાં આવે છે. છોટા રાજનને 2015માં ઈન્ડોનેશિયામાંથી પકડાયા બાદ ભારત મોકલી દેવામાં આવ્યો હતો. મુંબઈના પત્રકાર જેડે હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ કોરોનાના સમયગાળા દરમિયાન થયું હતું. વર્ષ 2017માં બિહારના ચર્ચિત એસિડ એટેક કેસમાં પૂર્વ સાંસદ મો. શહાબુદ્દીનને સિવાન જેલમાંથી તિહાર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શહાબુદ્દીનનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું.