બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો, સુરક્ષા અને ઉર્જા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા છે. ભારતીય સમય પ્રમાણે લગભગ સાડા 4 વાગ્યે તેઓ અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકામાં વડાપ્રધાન મોદીનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની સાથેની આ પ્રથમ મુલાકાત છે.
વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચતા ત્યાં રહેતા ભારતીય સમુદાયોમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે, મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો વડાપ્રધાન મોદીને મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરવા અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક સ્તરે વેપાર સંબંધોને ગાઢ બનાવવા ઉત્સુક છું. બંને દેશ પોતાના લોકોના લાભ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતાં રહેશે.
વડાપ્રધાન મોદી ભારતીય સમય મુજબ શુક્રવારે રાત્રે 2:30 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. મોદી અને ટ્રમ્પ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થશે. આ બંને નેતાઓ વચ્ચે યોજાનારી મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો, સુરક્ષા અને ઉર્જા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં, બંને નેતાઓ વચ્ચે ટેરિફ અને ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશ વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ પણ થઈ શકે છે. ટ્રમ્પ ઉપરાંત, વડાપ્રધાન મોદી ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
આ પછી, ભારતીય સમય મુજબ શુક્રવારે રાત્રે 3.40 વાગ્યે બંને દેશના વડા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે.
અમેરિકા પહોંચ્યા પછી, ભારતીય વડાપ્રધાન સૌપ્રથમ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા હતા. અને તેમની નિયુક્તિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ તુલસી સાથે ભારત અને અમેરિકાની મિત્રતાના સંબંધો અંગે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ આ બેઠક પહેલાં રિસિપ્રોકલ ટેરિફ અર્થાત પારસ્પરિક આયાત ડ્યૂટી લાદવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી શકે છે. આ આદેશ એવા દેશો પર ડ્યૂટી લાદશે, જે દેશોએ અમેરિકાના માલ-સામાન પર ટેરિફ લાદ્યો છે. પારસ્પરિક આયાત ડ્યુટી એક વેપાર નીતિ છે. જેમાં બે દેશો એક-બીજા પર ટેરિફ લાદે છે.
ટ્રમ્પ અગાઉ પણ ભારતના આયાત શુલ્ક દરોની ટીકા કરતા રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફનો કિંગ તરીકે સંબોધિત કર્યો હતો. તેમજ તેની અન્ય દેશો કરતાં વધુ 14 ટકા આયાત ડ્યુટીની ટીકા કરી કરી હતી. ટ્રમ્પના ઓર્ડર પર હસ્તાક્ષરથી ભારત પર ટેરિફ લાદવાની ભીતિ વધી છે. જો કે, આજની આ દ્વિપક્ષીય બેઠકમાં ભારત અમેરિકાના ડાયફ્રૂટ પર ડ્યુટી ઘટાડવા વિચારી રહ્યો છે. ભારતે પીએમ મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં જ અમેરિકામાંથી આયાત થતી ઘણી પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઘટાડી હતી. જેનો લાભ ટ્રમ્પ ભારતને આપે છે છે કે નહીં તે તો બેઠક બાદ જ નક્કી થશે.
અમેરિકા પહોંચતા પહેલા મોદી ફ્રાન્સની મુલાકાતે હતા. અહીં તેમણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સાથે AI સમિટની સહ-અધ્યક્ષતા કરી અને અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.