મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ: સીએમ બિરેન સિંહના રાજીનામા બાદ કેન્દ્રનો મોટો નિર્ણય

manipurPresidentRule

બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધુ હતું

કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવાર 9 ફેબ્રુઆરીના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઘણા દિવસોના મડાગાંઠ બાદ, રાજ્યપાલ અજય ભલ્લાએ ગુરુવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી. વિધાનસભા પણ સ્થગિત કરવામાં આવી છે.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મત છે કે ‘એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં આ રાજ્યની સરકાર બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાતી નથી.’ હવે, બંધારણના અનુચ્છેદ 356 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, હું જાહેર કરું છું કે, ભારતના રાષ્ટ્રપતિ તરીકે, હું મણિપુર રાજ્ય સરકારના તમામ કાર્યો અને આ રાજ્યના રાજ્યપાલને સોંપાયેલ અથવા તેમના દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી બધી સત્તાઓ સંભાળું છું. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભાને સ્થગિત કરવામાં આવી છે.

રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસા (3 મે, 2023)ને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. આ કારણે બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું.

ડિસેમ્બર 2024માં મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ બદલ માફી માંગી હતી. બિરેન સિંહે કહ્યું હતું કે, આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. મને આ વાતનું ખૂબ દુઃખ છે. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માગું છું. સચિવાલયમાં મીડિયા સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે, ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. હું ખરેખર દિલગીર છે. હું માફી માંગવા માગું છું.

ભાજપના પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રાએ પાર્ટીના ધારાસભ્યો સાથે અનેક તબક્કાની ચર્ચા કરી છે પરંતુ ગતિરોધ ચાલુ છે. છેલ્લા બે દિવસમાં, સંબિત બે વાર રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા છે.

ભાજપે હજુ સુધી નવા મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કર્યો નથી. કોંગ્રેસના ધારાસભ્ય થોકચોમ લોકેશ્વરે સંબિતની રાજ્ય મુલાકાતના હેતુ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ભાજપના ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા પછી, સંબિતે નવા મુખ્યમંત્રીની નિમણૂકમાં અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ.

કુકી સમુદાયના ITLF સંગઠનના પ્રવક્તા ગિન્જા વૂલજોંગે જણાવ્યું હતું કે, બિરેન સિંહે મણિપુર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી રાજીનામું આપી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમારી માગ અલગ વહીવટની છે. મૈતેઈ સમુદાયે અમને અલગ કરી દીધા છે. હવે અમે પીછેહઠ કરી શકીએ નહીં. ઘણું લોહી વહી ગયું છે. ફક્ત રાજકીય ઉકેલ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કુકી સમુદાય હજુ પણ અલગ વહીવટની માગ પર અડગ છે.

બિરેન સિંહના રાજીનામા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા, જાનમાલના નુકસાન છતાં, પીએમ મોદીએ એન બિરેન સિંહને પદ પર જાળવી રાખ્યા હતા, પરંતુ હવે લોકોના વધતા દબાણ, સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ અને કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે એન બિરેન સિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

તેમણે X પર કરેલ પોસ્ટમાં કહ્યું કે, આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી અને મણિપુરના લોકોના ઘાને મટાડવાનું કામ કરવું. પીએમ મોદીએ તાત્કાલિક મણિપુરની મુલાકાત લેવી જોઈએ, ત્યાંના લોકોની વાત સાંભળવી જોઈએ અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે તેમણે શું યોજનાઓ બનાવી છે તે જણાવવું જોઈએ.

૧૨મી મણિપુર વિધાનસભાનું છેલ્લું સત્ર ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ પૂર્ણ થયું હતું, જ્યારે ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલું સાતમું સત્ર રાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવ્યું છે.