- પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકો ચોગ્ગા અને છગ્ગા પર બૂમો પાડે છે પરંતુ બેટરનું ધ્યાન ફક્ત બોલ પર હોય છે. તમારે ફક્ત આ પ્રકારના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- CM ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલમાં ખાતે એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આ સંવાદ નિહાળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદ સહિત રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ નિહાળ્યું હતુ. આ સંવાદમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકો ચોગ્ગા અને છગ્ગા પર બૂમો પાડે છે પરંતુ બેટરનું ધ્યાન ફક્ત બોલ પર હોય છે. તમારે ફક્ત આ પ્રકારના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષે આ કાર્યક્રમ એક નવા ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. આ વખતે ઘણી સેલિબ્રિટીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ 8 એપિસોડમાં વહેંચાયેલો છે જેમાં વિવિધ ક્ષેત્રોના 12 સેલિબ્રિટી બાળકોના પ્રશ્નોના જવાબ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક સ્કૂલમાં આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્યો સર્વ શ્રી બાબુસિંહ જાદવ,અમૂલભાઈ ભટ્ટ, હસમુખભાઈ પટેલ, પૂર્વમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર, જિલ્લા કલેકટર સુજીતકુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શૈલેષભાઇ પટેલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ- પદાધિકારીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘એકઝામ વોરિયર’ પુસ્તકમાં દરેક સવાલોના જવાબ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એક વાર તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ‘એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે.આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓએ હળવા પણ થવું જોઈએ.
લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાયા હતા
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ‘પરીક્ષા પે ચર્ચા’ની આ આઠમી શ્રેણી છે. આ કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જે આ કાર્યક્રમની સફળતા સાબિત કરે છે.
શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એવું વ્યક્તિત્વ છે, જે દરેક જનમાનસ સાથે સંકળાયેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની દરેક બાબતો અને વિષય પર ખૂબ ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે, જેના કારણે ભારતને દેશ અને દુનિયામાં ગૌરવ મળ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ૨૧મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. ૨૧મી સદીમાં દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની ખૂબ આવશ્યકતા છે, શિક્ષણ વગર ચાલે એમ નથી એટલે માર્ક્સ ભલે વત્તા-ઓછા આવે પણ શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે.
દરેક વિદ્યાર્થીએ ટાઇમશેડ્યૂલ બનાવવું જોઈએ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દરેક વિદ્યાર્થીએ પોતાના સમગ્ર દિવસનું ટાઇમશેડ્યૂલ બનાવવું જોઈએ. રમત-ગમત માટે કેટલો સમય આપવો? ટીવી માટે કેટલો સમય? તેમજ ભણવા માટે કેટલો સમય આપવો? તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
પરિણામ ભલે ગમે તે મળે પણ પ્રયાસ પૂરેપૂરો હોવો જોઈએ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણતર અને હોશિયાર આ બે બાબતોને મિક્સ ક્યારેય ન કરવી જોઈએ. ભણ્યા નથી એટલે આપણે હોશિયાર નથી, એવું વિદ્યાર્થીઓએ ક્યારે ન માનવું જોઈએ. દરેક વિદ્યાર્થીએ પોતાના વાલી-શિક્ષકોનું માર્ગદર્શન લઈને અવશ્ય ચાલવું જોઈએ. જે વિદ્યાર્થીઓ મેડિકલ કે એન્જિનિયરિંગ કે પછી કોઈપણ ક્ષેત્ર તરફ આગળ જવા માગતા હોય, આવા વિદ્યાર્થીઓએ પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપવું જોઈએ. પરિણામ ભલે ગમે તે મળે પણ પ્રયાસ પૂરેપૂરો હોવો જોઈએ એમ તેમણે જણાવ્યુ હતું.
વિદ્યાર્થીઓએ તણાવમાં ન આવવું જોઈએ
વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની ચિંતા અને તણાવના વાતાવરણને અત્યંત હળવું બનાવવા શિખ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિદ્યાર્થીઓએ તણાવમાં ન આવવું જોઈએ. પોતાની મહેનત પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓએ સવારે વહેલા ઊઠીને વાંચવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સહભાગી થવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં યુવા પેઢી નો મહત્વનો ફાળો રહેવાનો છે તેની ભૂમિકા આપતા તેમણે વિદ્યાર્થીઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સહભાગી થાય એવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી.
‘પરીક્ષા પે ચર્ચા’ના માધ્યમથી દરેક સમસ્યાને હળવી બનાવી
આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયાને નવો રાહ ચીંધી રહ્યા છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને દરેક વિદ્યાર્થીઓમાં તણાવ કે પછી સફળતા અને નિષ્ફળતાનો ભય રહેતો હોય છે. આ જ તણાવ અને ભયને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ના માધ્યમથી દરેક સમસ્યાને હળવી બનાવી છે.
વિદ્યાર્થીએ નિષ્ફળતાની ચિંતા ન કરવી જોઈએ
વધુમાં તેમણે કહ્યું કે દુનિયામાં એવા અનેક મહાનુભાવો થઈ ગયા છે, જેઓને શરૂઆતમાં નિષ્ફળતા મળી હતી અને પછી જ તેઓ સફળ થયા છે. એટલે દરેક વિદ્યાર્થીએ નિષ્ફળતાની ચિંતા ન કરવી જોઈએ. ફળની આશા રાખ્યા વિના જ મહેનતરૂપી કર્મ કરતાં રહેવું જોઈએ. પોતાની અનંત શક્તિઓનો ઉપયોગ પોઝિટિવ વિચાર માટે કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.