બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન લીલાવતી હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયો છે. એક્ટરની પત્ની કરીના કપૂર અને દીકરી સારા અલી ખાન, સૈફને લેવા હૉસ્પિટલ પહોંચી હતી. સૈફ અલી ખાન હૉસ્પિટલથી સફેદ શર્ટ, બ્લૂય ડેનિમ પહેરીને નીકળી રહ્યો છે. તેણે આંખ પર ચશ્મા લગાવેલા હતાં અને હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. એક્ટર પોતાની બ્લેક પોર્શે કારમાં સવાર થઈને ઘરે ગયા. તેમની સાથે મુંબઈ પોલીસના અધિકારી પણ જોવા મળ્યા હતા.
મંગળવારે સૈફની સારવાર કરી રહેલા 4 ડોક્ટરોની ટીમે કહ્યું હતું કે તેમણે પરિવારને સૈફને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાની પરવાનગી આપી દીધી છે. કરીના કપૂર ખાન પોતે હોસ્પિટલ પહોંચી હતી અને ડિસ્ચાર્જ સંબંધિત તમામ કામ પૂર્ણ કર્યા પછી તે તેની બહેન કરિશ્મા કપૂર સાથે પાછી ફરી હતી. બાદમાં સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને તે મુંબઈના બાંદ્રા સ્થિત પાતાના ઘરે પહોંચી ગયો છે. હવે તે ડોક્ટરોની સલાહ મુજબ ઘરે આરામ કરશે.
સૈફ અલી ખાનને રજા મળે તે પહેલાં રોનિત રોય પણ લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયા છે. સૈફને લીલાવતીથી તેના ઘરે લઈ જવાની જવાબદારી રોનિત રોયની સુરક્ષા કંપનીની હતી. આ સમય દરમિયાન પોલીસ પણ તેમની સાથે હતી.
16 જાન્યુઆરીની રાત્રે 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી આવ્યો હતો. ચોર સાથે ઝપાઝપી બાદ સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. અજાણ્યા શખ્સે સૈફ પર ચાકૂથી છ વાર કર્યા હતા, જેમાંથી બે ઘા ખૂબ ઊંડા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક્ટરને કરોડરજ્જુ પાસે ચાકૂનો 2.5 ઈંચનો ટુકડો ઘુસી ગયો હતો, જેને ડૉક્ટરે સર્જરીથી બહાર કાઢ્યો. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર નીતિન ડાંગેએ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાનના શરીર પર 4 ઊંડા ઘા હતા, જેની સર્જરી કરવામાં આવી છે.
ડૉક્ટર નીના જૈન અને તેમની પ્લાસ્ટિક સર્જનની ટીમે સૈફના ગરદનના ઘાની સારવાર કરી છે. ડોક્ટરોની ટીમે સૈફ અલી ખાનને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ ભારે વસ્તુ ઉપાડી શકશે નહીં. તેમને જીમમાં જવાની મનાઈ છે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી શૂટિંગ કરવાની પણ મનાઈ છે. તેમને સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.