અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસે મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. દુબઈથી અમદાવાદ પહોંચેલા હોસ્પિટલના માલિકને પોલીસે એરપોર્ટ પર જ પકડી લીધો હતો.
અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલનાં માલિક કાર્તિક પટેલની પોલીસે ધરપકડ કરી છે. શુક્રવારે મોડી રાત્રે દુબઈથી અમદાવાદ આવેલ કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ઝડપી લીધો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન યોજનાનો ખોટી રીતે લાભ મેળવવા કેટલાક લોકોનાં તેમની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા હતા. આ ઘટના બાદ કાર્તિક પટેલ દુબઈ ભાગી ગયો હતો. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તેને શોધી રહી હતી.
આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઇઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. જેઓ હાલ રિમાન્ડ પર છે અને આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે ખ્યાતિ કાંડના ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ થતાં હવે અનેક ખુલાસાઓ થશે.
ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી ફરાર હતો. ધરપકડ બાદ જ્યારે તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે કાન પકડીને માફી માંગી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, છેલ્લી ઘટના બાદ, તે પોલીસ કાર્યવાહીથી બચવા માટે દુબઈ ભાગી ગયો હતો. આ પછી, તે બે મહિનાથી જુદા જુદા દેશોમાં ભટકતો રહ્યો હતો. તેને આશા હતી કે તેને ગુજરાત કોર્ટમાંથી વચગાળાના જામીન મળશે. જ્યારે તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારે બાજુથી દબાણ અને કોર્ટમાંથી આગોતરા જામીન ન મળવાને કારણે તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તે કોઈ કાયમી સમાધાન કર્યા પછી ભાગ્યો નહીં. અહીં તેનો કરોડોનો ધંધો પણ બરબાદ થઈ રહ્યો હતો. તેણે વિચાર્યું હતું કે ચાર્જશીટ દાખલ થયા પછી તેને નિયમિત જામીન મળશે, પરંતુ આવું થયું નહીં. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસ મજબૂત રાખ્યો હતો. જ્યારે તે આ કેસમાં ભાગી ગયો ત્યારે તે આ કેસમાં શંકાસ્પદ હતો, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે આયુષ્માન ભારત યોજના કૌભાંડનો મુખ્ય આરોપી બન્યો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ડાયરેક્ટર સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવતાં તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કાર્તિક પટેલને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ જામીન મંજૂર ન થતાં આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલના કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલે વચ્ચે દલીલ થઈ હતી. કાર્તિક પટેલનાં વકીલે દલીલ કરી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોના જીવ ગયા છે. જે થયું તે દુઃખદ છે. પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેકટર જવાબદાર હોઈ શકે? કાર્તિક પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જુદા-જુદા ચુકાદાના આધારે દલીલો કરી હતી.
શું છે મામલો?
અમદાવાદની ખયાતી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ ગરીબોને આપવામાં આવતી મફત સારવારના પૈસા મેળવવા માટે છેતરપિંડીનો ખુલાસો થયો હતો. હોસ્પિટલે તમામ દર્દીઓને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવાયા હતા. આ માટે, હોસ્પિટલ વહીવટીતંત્રે બધી પ્રક્રિયાઓનું પાલન પણ કર્યું ન હતું. સ્ટેન્ડ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી, રાજ્ય સરકારે પીએમજેએવાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવા પડ્યા.