મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન; રાષ્ટ્રપતિ મુર્મુએ વિજેતાઓેને એવોર્ડ આપી સન્માનિત કર્યા

KhelRatnaAward2025

પેરાલિમ્પિક્સમાં જેવલિનમાં ગોલ્ડ જીતનાર નવદીપ સહિત 34 ખેલાડીને રાષ્ટ્રપતિનાં હસ્તે અર્જુન એવોર્ડ એનાયત કરાયા

રમતગમત મંત્રાલય દ્વારા શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર 2024નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓેને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત કર્યો છે. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકવામાં ગોલ્ડ જીતનાર નવદીપ સહિત 34 ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડ પણ આપ્યા હતા. આમાંથી 17 પેરા-એથ્લીટ્સ છે, જ્યારે 2 લાઇફટાઇમ એચિવમેન્ટ માટે છે. આ ઉપરાંત, 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખેલ રત્ન જીતનાર ખેલાડીઓને 25 લાખ રૂપિયા મળ્યા

તમામ ખેલ રત્ન પુરસ્કાર વિજેતાઓને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આ પુરસ્કારનો હેતુ રમતગમતના ક્ષેત્રમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ અને પ્રદર્શનને માન્યતા આપવાનો છે.

ડી ગુકેશ – 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર

18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ 11 ડિસેમ્બરે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો હતો. ગુકેશ આટલી નાની ઉંમરમાં ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલાં 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો.

મનુ ભાકર -પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીત્યો હતો

મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. તે 10 મીટર એર પિસ્તોલ ઈન્ડિવિડ્યુઅલ અને મિક્સ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેમના બે મેડલના આધારે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.

હરમનપ્રીતની કપ્તાનીમાં ભારતે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

હરમનપ્રીત સિંહની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ અને એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ ઉપરાંત હરમનપ્રીત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા ટીમનો પણ ભાગ હતો. હરમનપ્રીતે ત્રણ વખત FIH એવોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ જીત્યો છે.

પ્રવીણે હાઈ જમ્પમાં રેકોર્ડ સાથે પેરાલિમ્પિક ગોલ્ડ જીત્યો

પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની ઊંચી કૂદમાં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટોકિયો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રવીણે T64 ઈવેન્ટમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2.08 મીટરની ઊંચાઈને ક્લીયર કરીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે પ્રવીણ કુમારનો ડાબો પગ જન્મથી જ નાનો હતો.

અર્જુન પુરસ્કાર મેળવનારા 34 ખેલાડીઓની યાદી

  1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
  2. અન્નુ રાની (એથ્લેટિક્સ)
  3. નીતુ (બોક્સિંગ)
  4. સ્વીટી (બોક્સિંગ)
  5. વંતિકા અગ્રવાલ (ચેસ)
  6. સલીમા ટેટે (હોકી)
  7. અભિષેક (હોકી)
  8. સંજય (હોકી)
  9. જર્મનપ્રીત સિંહ (હોકી)
  10. સુખજીત સિંહ (હોકી)
  11. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
  12. સરબજોત સિંહ (શૂટિંગ)
  13. અભય સિંહ (સ્ક્વૉશ)
  14. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
  15. અમન (કુશ્તી)
  16. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
  17. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
  18. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
  19. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
  20. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
  21. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
  22. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
  23. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
  24. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
  25. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
  26. નિતેશ કુમાર (પેરા બેડમિન્ટન)
  27. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
  28. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
  29. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
  30. કપિલ પરમાર (પેરા જુડો)
  31. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
  32. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)

રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે અર્જુન પુરસ્કાર (લાઇફ ટાઇમ)

  1. સુચ્ચા સિંહ (એથ્લેટિકસ)
  2. મુરલીકાંત રાજારામ પેટકર ( પેરા સ્વિમિંગ )

અર્જુન પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવના દર્શાવવા માટે આપવામાં આવે છે.