- અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે.
- આ ટેક્નોલોજી ભારતના સ્પેસ સ્ટેશન “ઇન્ડિયન સ્પેસ સ્ટેશન” ની સ્થાપના માટે પણ મહત્વપૂર્ણ રહેશે, જેને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારત અવકાશમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. ISRO એ જણાવ્યું હતું કે ડોકિંગ પ્રયોગ 16 જાન્યુઆરીની સવારે પૂર્ણ થયો હતો. અગાઉ ફક્ત રશિયા, અમેરિકા અને ચીન જ આવું કરવામાં સફળ રહ્યા છે.
ચંદ્રયાન-4, ગગનયાન અને ભારતીય અવકાશ મથક જેવા મિશન આ મિશનની સફળતા પર નિર્ભર હતા. ચંદ્રયાન-4 મિશનમાં, ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તે જ સમયે, ગગનયાન મિશનમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.
ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ગૌરવ અનુભવતા કહ્યું કે, “બે ઉપગ્રહો પર નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સફળ રહી. આગામી દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર હાથ ધરવામાં આવશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં આ સિદ્ધિ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “અમારા ISRO વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અવકાશમાં ઉપગ્રહોના ‘ડોકિંગ’ના સફળ નિદર્શન માટે અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વકાંક્ષી સ્પેસ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
ISRO એ 30 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત, PSLV-C60 રોકેટથી બે અવકાશયાનને પૃથ્વીથી 470 કિમી ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા.
7 જાન્યુઆરી 2025એ આ મિશનમાં બંને અવકાશયાનને જોડવાના હતા, પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યું હતું. પછી 9 જાન્યુઆરીએ પણ તકનીકી મુશ્કેલીઓને કારણે ડોકિંગ મુલતવી રાખવામાં આવ્યું હતું. ૧૨ જાન્યુઆરીના રોજ, અવકાશયાનોને ૩ મીટરની નજીક લાવ્યા પછી તકનીકી સમસ્યાનાં કારણે તેમને સુરક્ષિત અંતરે પાછા લઈ જવામાં આવ્યા.
સફળ ડોકિંગ પછી ISROએ કહ્યું-
અવકાશયાનોનું ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું! એક ઐતિહાસિક ક્ષણ. ચાલો ડોકિંગ પ્રક્રિયા જાણીએ: અવકાશયાનો વચ્ચેનું અંતર ૧૫ મીટરથી ઓછુ કરીને ૩ મીટર સુધી લાવવામાં આવ્યું. ડોકિંગ ચોકસાઈથી શરૂ કરવામાં આવ્યું હતું, જે અવકાશયાનને કેપ્ચર કરવામાં સફળ રહ્યું. ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભારત સફળ અંતરિક્ષ ડોકિંગ પ્રાપ્ત કરનાર ચોથો દેશ બન્યો. સમગ્ર ટીમને અભિનંદન! ભારતને અભિનંદન! ડોકિંગ પછી, એક જ પદાર્થ તરીકે બે અવકાશયાનનું નિયંત્રણ સફળ રહ્યું. આગામી દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર ચેક કરવામાં આવશે.
આ ટેક્નોલોજી ભારતના સ્પેસ સ્ટેશન “ઇન્ડિયન સ્પેસ સ્ટેશન” ની સ્થાપના માટે પણ મહત્વપૂર્ણ રહેશે, જેને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.
ભારતે આ ડોકિંગ મિકેનિઝમ પર પેટન્ટ લીધી
આ ડોકિંગ મિકેનિઝમને ‘ઇન્ડિયન ડોકિંગ સિસ્ટમ’ નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ આ ડોકિંગ સિસ્ટમ પર પેટન્ટ પણ લીધી છે. ભારતે પોતાનું ડોકિંગ મિકેનિઝમ વિકસાવવું પડ્યું, કારણ કે કોઈ પણ અવકાશ એજન્સી આ અત્યંત જટિલ પ્રક્રિયાની વિગતો શેર કરતી નથી.
પ્રયોગો માટે મિશનમાં 24 પેલોડ પણ મોકલવામાં આવ્યા હતા
આ મિશનમાં માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગો માટે 24 પેલોડ પણ મોકલવામાં આવ્યા છે. આ પેલોડ POEM (PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ) નામના PSLV રોકેટના ચોથા તબક્કામાં હતા. 14 પેલોડ ISRO તરફથી છે અને 10 પેલોડ બિન-સરકારી સંસ્થાઓ (NGE) તરફથી છે.
સ્પેડેક્સ મિશન પ્રક્રિયા: જાણો કેવી રીતે બંને અવકાશયાન નજીક આવ્યા
30 ડિસેમ્બરના રોજ, PSLV-C60 રોકેટથી 470 કિમીની ઊંચાઈએ બે નાના અવકાશયાન ટાર્ગેટ અને ચેઝરને અલગ અલગ ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવ્યા હતા.
જમાવટ પછી, બંને અવકાશયાનની ગતિ લગભગ 28,800 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. આ ગતિ બુલેટની ગતિ કરતા 10 ગણી વધુ હતી.
બંને અવકાશયાન વચ્ચે કોઈ સીધું કોમ્યુનિકેશન લિંક કરાયું નહોતુ. તેમને જમીન પરથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંને અવકાશયાનને એકબીજાની નજીક લાવવામાં આવ્યા હતા.
5 કિમીથી 0.25 કિમી સુધીનું અંતર ઘટાડવા માટે લેસર રેન્જ ફાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડોકિંગ કેમેરાનો ઉપયોગ ૩૦૦ મીટરથી ૧ મીટરની રેન્જ માટે કરવામાં આવ્યો હતો. જ્યારે વિઝ્યુઅલ કેમેરાનો ઉપયોગ ૧ મીટરથી ૦ મીટરના અંતરે કરવામાં આવ્યો હતો.
સફળ ડોકિંગ પછી, હવે આગામી દિવસોમાં, બે અવકાશયાન વચ્ચે વિદ્યુત શક્તિ ટ્રાન્સફર બતાવવામાં આવશે. પછી અવકાશયાન અનડોકિંગ કરવામાં આવશે અને તે બંને પોતપોતાના પેલોડ્સનું સંચાલન શરૂ કરશે. લગભગ બે વર્ષ સુધી આમાંથી મૂલ્યવાન ડેટા મેળવવામાં આવશે.
મિશન શા માટે જરૂરી છે:
- ચંદ્રયાન-૪ જેવા મિશનની સફળતા આના પર નિર્ભર છે.
- ચંદ્રયાન-૪ મિશનમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
- ડોકિંગ ટેકનોલોજી સ્પેસ સ્ટેશન બનાવવા અને પછી ત્યાં જવા માટે પણ જરૂરી રહેશે.
- આ ટેકનોલોજી ગગનયાન મિશન માટે પણ જરૂરી છે જેમાં મનુષ્યોને અવકાશમાં મોકલવામાં આવશે.
- આ ટેકનોલોજી સેટેલાઇટ સર્વિસિંગ, આંતરગ્રહીય મિશન અને મનુષ્યોને ચંદ્ર પર મોકલવા માટે જરૂરી છે.