ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી અનેક લોકોના અને પશુ પક્ષીઓના ગળા કપાયા, બાળક-મહિલા સહિત છ લોકોના મોત
ગુજરાતભરમાં ગઇ કાલે મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી જો કે પતંગની દોરીથી ગળા કપાતા 6 લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ હતી અને તેમના પરિવારમાં ખુશીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું હતું. પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા સહિતના જિલ્લામાં દોરી વાગવાની અલગ-અલગ ઘટનામાં ઘણાં બધાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક પરિવારે પોતાના સદસ્યને ગુમાવ્યા છે. તહેવાર દરમિયાન ગળુ કપાવાની ઘટનામાં પાંચ વર્ષના બાળક મહિલા સહિત 6ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં દોરી વાગતા એક યુવકનું મોત રાજ્યભરમાં ઉત્તરાયણની બે દિવસની ઉજવણી ચાલી રહી છે. જેમાં રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના ગળામાં દોરી ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત થયુ હતું.
ભાવનગરમાં દોરીથી ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા અને એકનું મોત, ભાવનગરમાં પતંગની દોરી વાગવાની બે ઘટનામાં એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં જાનવી બારૈયા નામની ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે નિકુલ પરમાર નામના શખ્સને ગળાના ભાગે દોરી પેસી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને નિકુલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ઓડુ ગામના ઈશ્વર ઠાકોર નામનો યુવક પતંગની દોરીના ભોગ બન્યો હતો. જેમાં ઈશ્વરના ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાની સાથે ઈશ્વરને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેને દમ તોડી નાખ્યો હતો.
દ્વારકાના ભાણવડમાં 80 વર્ષીય વૃદ્ધ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ટુ વ્હિલર પર જઇ રહેલા વૃદ્ધનું પતંગની દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના માનસાજી ઠાકોર પોતાનું કામ પતાવીને બાઈક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનસાજીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વડોદરા જિલ્લાના કરજણ, પાદરા, છાણી સહિતના વિસ્તારોમાં દોરીથી ગંભીર ઈજાઓ પહોંચ્યાના છ ઘટનાઓ સામે આવી છે. જેમાં છાણીમાં દોરી વાગવાથી મધુરી પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે પાદરામાં કરખડી ગામના યુવકનું પતંગની દોરીથી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 30 ટાંકા આવ્યા હતા. દોરીથી ગંભીર ઈજા પહોંચ્યાની અન્ય એક ઘટના કરજણથી સામે આવી હતી. જેમાં એક બાઈક સવાર નેશલન હાઈવે 48 પરથી પસાર થતી વખતે ગળાના ભાગે દોરી ફસાઈ હતી. બાઈક સવારને ગંભી ઈજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલવાયો હતો. જ્યારે વડોદરા શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના ચિંતન પટેલ નામના યુવકને પતંગની દોરીથી ઈજા પહોંચી હતી. આ પછી યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં મોકલવાયો હતો.
પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. કુણાલ નામનો બાળક પોતાના પિતા સાથે બાઇક પર ફુગ્ગા લેવા ગયો હતો. જ્યાં અચાનક એક પતંગની દોરી આડી આવતાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાં જ પિતા તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું.
1400થી વધુ પક્ષી ઘાયલ થયા ઉત્તરાયણ પર્વ દરમિયાન અનેક પક્ષીએ પણ જીવ ગુમાવ્યા છે તો 1400 જેટલા પક્ષી ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે કે, પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યાં હતા. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા
અમદાવાદમાં 39, વડોદરા 24, રાજકોટ 15 કેસો નોંધાયા છે. કરુણા અભિયાનમાં પણ પશુ-પક્ષીઓને બચાવાયા હતા. 758 પશુઓ અને 644 પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. કોઈનો શોખ કોઈના માટે જોખમ બન્યું હતું.
પતંગ ઉત્સવ દરમિયાન 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા મકરસંક્રાંતિના પતંગ ઉત્સવ દરમિયાન 3 વાગ્યા સુધી 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જે છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષના 188 વધુ કોલ છે. દોરીથી ઇજા થતાં રોડ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં બપોર સુધીમાં 500 ઈમરજન્સી કોલ આવ્યાં,સુરતમાં 228, રાજકોટમાં 160 ઈમરજન્સી કોલ,વડોદરામાં 141, ભાવનગરમાં 116 ઈમરજન્સી કોલ,દાહોદમાં 100, ગાંધીનગરમાં 82, જામનગરમાં 81 કોલ્સ આવ્યા.