રાજ્યમાં માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પરંતુ કાચવાળી દોરી ઉપર પણ પ્રતિબંધ, HCના નિર્દેશ બાદ પોલીસ એક્શનમાં

chineseStringBanned

ઉત્તરાયણને આડે હવે ચાર જ દિવસ બાકી છે જને લઈને અનેક લોકોએ પતંગ અને દોરીની ખરીદી પણ કરી લીધી છે. ત્યારે ઉત્તરાયણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે માત્ર ચાઈનીઝ દોરી જ નહીં પણ કાચ વાળી દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું છે કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેથી હવે કોઈ પણ પોતાની દોરીમાં કાચ નહીં લગાવી શકે. હાઈકોર્ટના નિર્દશે બાદ પોલીસ દ્વારા કાચનાં પાઉડરથી રંગેલી દોરીના ખરીદ-વેચાણ, ઉત્પાદન, સંગ્રહ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટે કરેલા હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. સરકાર દ્વારા આ મામલે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાંજે 6 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી પતંગ બજારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગ્લાસ કોટેડ દોરી અને સિન્થેટિક દોરીની ઘાતકતા અંગે બાળકોને શાળાઓમાં જઈને જાગરૂક કરવામાં આવે છે. ટુવ્હીલર વાહનચાલકોને પણ જાગૃક કરીને તેમના વાહન ઉપર પોલીસ નેક ગાર્ડ લગાવી આપે છે.

વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે આજે (10 જાન્યુઆરી 2025) ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે 8 જાન્યુઆરી, 2025ના હુકમમાં નાયલોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી ઉપર પ્રતિબંધના નિર્દેશો આપ્યા હતા. તે હુકમમાં સુધારો કરવામાં આવે. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે, સરકારના જાહેરનામા મુજબ ગ્લાસ કોટિંગ દોરી ઉપર પણ પ્રતિબંધ જ છે. ગ્લાસ પાવડર હાનિકારક જ છે. આ દોરી પણ ચાઈનીઝ દોરી જેટલી જ ખતરનાક છે.

જાહેરહિતની રિટમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે, પોલીસ ઓથોરીટી અને સરકારના સત્તાવાળાઓ ચાઇનીઝ, નાયલોન દોરી અને તુક્કલ સામે કાર્યવાહી કરી રહી છે પરંતુ ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહી કરવામાં કેમ ઉણા ઉતર્યા છે? કે જયારે ખુદ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ તેના ચુકાદામા ચાઇનીઝ, નાયલોન દોરીની સાથે સાથે ગ્લાકોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવેલો છે ત્યારે ગ્લાસકોટેડ દોરીને લઇ કાર્યવાહીના કોઇ નક્કર આંકડા રજૂ થયા નથી.

હાઇકોર્ટે કહ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2017ના હાઇકોર્ટના ડબલ જજની બેન્ચના આદેશમાં અપાયેલા નિર્દેશ મુજબ જ રાજ્યે ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી, ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, સ્ટોક કરવા, વેચાણ, ખરીદ અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવેલો છે.

ઉત્પાદકોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી ગ્લાસ કોટેડ કોટન માંજાથી પતંગ ચગાવવાની રીતિ છે. કોઈ માંજો ગ્લાસ કોટેડ વગર હોય નહિ, તેના વગર ઉજવણી શક્ય નથી, તેનો કોઈ વિકલ્પ નથી. તેને રોકવા પોલીસે બધો જ માલ જપ્ત કરવો પડે. હાઇકોર્ટે કહ્યું હતું નુકસાનકારક જૂની બાબતો ચાલુ રાખી શકાય નહિ. આ મુદ્દે કોર્ટ વધુ સુનાવણી ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે 13 જાન્યુઆરીએ રાખી છે, ત્યારે ઓથોરિટી તેમના દ્વારા ભરવામાં આવેલા પગલાંની વધુ માહિતી કોર્ટ સમક્ષ મૂકશે.

સરકારપક્ષ તરફથી સોગંદનામામાં જણાવ્યા મુજબ, ઉતરાયણના 2025ના તહેવારને લઇ ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને લઇ ગૃહવિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પણ 24 ડિસેમ્બરના 2024ના રોજ જારી કરી દેવાયું હતું અને તેના અનુસંધાનમાં રાજયના તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા પણ જરૂરી પરિપત્ર જારી કરી તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે.

સરકારી વકીલે આજે રાજ્યના ગૃહ વિભાગના અંડર સેક્રેટરી અને 5 જિલ્લાના મેજિસ્ટ્રેટની એફિડેવીટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જે મુજબ ઉત્તરાયણના તહેવારને લઈને રોજ સાંજે DGP મિટિંગ યોજે છે, તે બાબત કોર્ટને જણાવવામાં આવી હતી. રાત્રે 8થી 1માં પતંગ બજારોમાં પ્રતિબંધિત દોરી અને ચાઈનીઝ ટુક્કલ અંગે ચકાસણી કરવામાં આવે છે.

આખા રાજ્યમાંથી 34 પ્રતિબંધિત દોરીના ઉત્પાદકોને પકડી તેમની સામે ફરિયાદ નોંધી માલ જપ્ત કરવામાં આવ્યો છે. ગ્લાસ કોટિંગવાળી દોરી જપ્ત કરાય છે અને કાચ પાઉડર પણ જપ્ત કરવામાં આવે છે. આ કામગીરી 15 જાન્યુઆરી સુધી ચાલશે.

સરકાર તરફથી આંકડા રજૂ કરતાં જણાવાયું કે, ચાઇનીઝ, નાયલોન કે પ્લાસ્ટીક કોટેડ દોરીઓના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ સંબંધી ગુનાઓને લઇ 1 જાન્યુઆરી 2023થી 15 જાન્યુઆરી 2024 દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં કુલ 2155 અને 16 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 સુધી કુલ 148 ફરિયાદો મળી, બે વર્ષમાં કુલ 2303 ફરિયાદો નોંધવામાં આવી છે. જેમાં સૌથી વઘુ 451થી વઘુ ફરિયાદો તો ખાલી અમદાવાદમાં જ નોંધાઇ છે. જેની સામે 1 જાન્યુઆરી 2023થી 15 જાન્યુઆરી 2024 દરમ્યાન 1882 આરોપીઓ અને 16 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024 દરમ્યાન 243 આરોપીઓની ધરપકડ સાથે કુલ 2125 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં માત્ર અમદાવાદમાંથી જ 371થી વઘુ આરોપીઓ પકડાયા છે.