આતિશીનો દાવો ભાજપે મને કાઢી મૂક્યો: એક તરફ આતિશીએ દાવો કર્યો છે કે ભાજપે તેમને મુખ્યમંત્રી નિવાસસ્થાનમાંથી કાઢી મૂક્યા છે, જ્યારે PWDએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મોટો દાવો કર્યો છે. આતિશીએ આરોપ લગાવ્યો છે કે ભાજપની કેન્દ્ર સરકારે તેને મુખ્યમંત્રી આવાસમાંથી કાઢી મુકી છે. તેણીએ કહ્યું છે કે ત્રણ મહિનામાં આવું બીજી વખત બન્યું છે. તેણીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પત્ર મોકલીને તેમની ફાળવણી રદ કરી છે અને ચૂંટાયેલી સરકારના મુખ્યમંત્રી પાસેથી સીએમ આવાસ છીનવી લીધું છે. જોકે, સૂત્રોનું માનીએ તો PWDએ આતિશીના આ દાવાને ફગાવી દીધો છે. પીડબલ્યુડીનું કહેવું છે કે આતિશી ક્યારેય સીએમ આવાસમાં શિફ્ટ થઈ નથી.
આતિશીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકારે દિલ્હીના લોકોના કામ રોકવા માટે તેમની પાસેથી સીએમ આવાસ છીનવી લીધું. આતિશીએ કહ્યું, ત્રણ મહિના પહેલા પણ તેઓએ આવું જ કર્યું હતું. હું સીએમ બની ત્યારે મારો સામાન ફેંકી દેવામાં આવ્યો હતો. બીજેપી વિચારે છે કે અમારી સાથે દુર્વ્યવહાર કરીને, અમારા ઘરને છીનવીને, મારા પરિવાર વિશે નીચી વાતો કરીને તેઓ અમારું કામ બંધ કરી દેશે. તો તેઓ અમારા ઘરો છીનવી શકે છે, અમારું કામ બંધ કરી શકે છે પરંતુ દિલ્હીના લોકો માટે કામ કરવાના અમારા જુસ્સાને રોકી શકતા નથી. હું દિલ્હીના લોકોના ઘરે આવીને રહીશ અને દિલ્હીના લોકો માટે કામ કરતી રહીશ.
PWDએ શું કહ્યું?
PWDએ CM આતિશીના આરોપોનો આપ્યો જવાબ, લખ્યું- આ CMનું સત્તાવાર નિવાસસ્થાન નથી, બંગલા અંગે તપાસ ચાલી રહી છે.
PWDનું કહેવું છે કે આતિશીને સીએમ આવાસમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. હકીકતમાં, તેઓ ક્યારેય ત્યાં શિફ્ટ થયા જ નથી. આ ઉપરાંત, મથુરા રોડ પરનું એક સત્તાવાર નિવાસ 17 AB તેમને પહેલેથી જ ફાળવવામાં આવ્યું છે અને તે પછી પણ તેમને 3 અન્ય ભવ્ય બંગલા ઓફર કરવામાં આવ્યા છે.
CM આવાસ 2 કારણોસર પરત લેવામાં આવ્યું
પીડબલ્યુડીએ કહ્યું છે કે હાલમાં બે કારણોસર આતિશી પાસેથી સીએમ આવાસ પરત લેવામાં આવ્યું છે. જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને એક અઠવાડિયામાં ઘરનો કબજો લેવાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણે 3 મહિના સુધી ઘરનો કબજો લીધો ન હતો. આ સિવાય ‘શીશમહેલ’ એટલે કે સીએમ આવાસ CBI/EDની તપાસ હેઠળ છે અને હવે CAGએ તેના બાંધકામમાં ભ્રષ્ટાચારની પુષ્ટિ કરી છે.
‘બંગલો એક શરતે આપવામાં આવ્યો હતો, આતિષીએ જાણીજોઈને શિફ્ટ ન કર્યું’
સૂત્રોના જણાવ્યા અનુસાર, PWDએ કહ્યું છે કે જ્યારે આતિશીને મુખ્યમંત્રી આવાસ આપવામાં આવ્યું ત્યારે એક શરત હતી કે તે શીશમહેલની તપાસમાં સહયોગ કરશે. પરંતુ તે જાણી જોઈને તેમાં શિફ્ટ ન થઈ જેથી તપાસ એજન્સીઓની તપાસ રોકી શકાય.