વર્ષ 2025 નવા વર્ષની શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલપ્રેમિઓમાં આખું વર્ષ નવી ચેતના, ખેલદિલીની નવી ભાવના અને જોમજુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને શુભકામના પાઠવું છુંઃ સીએમ
આજે રાજકોટમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મત-ગમત મંત્રી હર્ષ સંઘવી, મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રે પટેલે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ મહા કુંભમેળાના એક અઠવાડિયા પહેલાં ગુજરાત ખેલ મહાકુંભ 3.0 પ્રારંભ એક શુભક સુયોગ છે. વર્ષ 2025 નવા વર્ષની શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલપ્રેમિઓમાં આખું વર્ષ નવી ચેતના, ખેલદિલીની નવી ભાવના અને જોમજુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને શુભકામના પાઠવું છું. ખેલમહાકુંભના પ્રણેતા PM મોદી છે. ગુજરાતને વડાપ્રધાનના વીઝનનો મળ્યો લાભ છે.
રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કુલ 1,89,272 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આ રમતોને આપવામાં આવ્યું છે ખેલ મહાકુંભ 3.0માં સ્થાન
ઝોન કક્ષાની રમતોમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 01 થી 13 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. રાજ્યકક્ષાએ રમતોનું આયોજન ૨ ફેઝમાં કરવામાં આવશે. જેમાં ફેઝ -1- 15 થી 24 ફેબ્રુઆરી 2025 અને ફેઝ-2- 15 માર્ચથી 31 માર્ચ 2025 સુધી ખેલ મહાકુંભ 3.0 નો આયોજન કરવામાં આવશે. જેમાં ફેઝ -1 અને ફેઝ -૨ની રમતોમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોકસીંગ, ચેસ, સાયકલીંગ, ફેન્સીંગ, જીમ્નાસ્ટીક, ઘોડેસવારી, જુડો, કરાટે, લોન ટેનીસ, મલખંભ, શુટીંગ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમ્બીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વુડબોલ, વેઇટ લીફ્ટીંગ, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રોલબોલ, રગ્બી, શુટીંગબોલ, સેપક ટકરાવ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભવોના હસ્તે પુરસ્કાર વિતરણ
ખેલમહાકુંભ-3.0નાં પ્રારંભ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ખેલ મહાકુંભ 2.0 પ્રથમ, દ્વિતીય, અને તૃતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શાળાને પુરસ્કાર અંતર્ગત ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરતને રૂ.5 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્કુલ, દેવગઢ બારીયા, દાહોદને રૂ.3 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવનાર શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદ, ખેડાને રૂ.2 લાખના રોકડ પુરસ્કાર સ્વરૂપે અનુદાન આપી સન્માનીત કરવામાં આવી હતી.
શ્રેષ્ઠ જિલ્લા, શ્રેષ્ઠ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવી
આ ઉપરાંત ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લામાં પ્રથમ સુરત, દ્વિતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્વિતીય દાહોદ, અને તૃતીય બનાસકાંઠાને સન્માનિત કરવામાં આવી હતી.
ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના 150 કલાકારો દ્વારા 15 મિનિટનું ડાન્સ પર્ફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્ડિયા, સુલ્તાન, સહિતના ગીતો પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ સ્પેશિયલ પર્ફોર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલા ગીત ‘ખેલ ખેલ મે’નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક ડાન્સ, ક્લાસિકલ, વોલીવોલ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખમ, યોગાનું અદભૂત કોમ્બીનેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ તાળીઓનાં ગડગડાટથી વધાવ્યું હતું.
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ જોયું કે વર્ષ 2010થી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી. ગુજરાતના સૌ નાગરિકોની જીવનશૈલીમાં રમતગમત પ્રેરણા પુરી પાડવાનું કામ કે પછી ક્રાંતિ લાવવાનું કામ કોઇએ કર્યું હોય તો એ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતના ખુણે ખુણે જેમ વિકાસ પહોંચાડ્યો એમ રમતગમત પ્રત્યે યુવાનોને ક્યાંકને ક્યાંક જોડવાનું કામ તેમણે કર્યું છે.
ખેલ મહાકુંભના માધ્યમથી વર્ષ 2010માં ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગના નાના નાના ગામડા હોય કે ભારત-પાકિસ્તાનની બોર્ડર પર કચ્છના નાના નાના ગામડા હોય. કોઇપણ ગામ શહેર, નગરોમાં રહેતા યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે એક નવું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું અને ખેલ મહાકુંભના આ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાં થઈ. ખેલ મહાકુંભ થકી ગુજરાતને વિવિધ ખેલાડીઓ પ્રાપ્ત થયા.
થોડા વર્ષો પહેલા જ્યારે દેશમાં આયોજિત નેશનલ રમતોમાં આપણા ગુજરાતનાં ખેલાડીઓ જતાં હતા ત્યારે લોકો તેમને અલગ અલગ નામે બોલાવતા હતા. કોઇ મારા ગુજરાતી યુવાનોને ફાફડા જલેબી કહીને બોલાવતા હતા, તો કોઇ ખમણ ઢોકળાના નામે બોલાવતા હતા. આ ફાફડા જલેબી – ખમણ ઢોકળાના નામે ચીડાવતા લોકોને આજે પરસેવો છોડાવી દેવાનું કામ આપણા ગુજરાતીઓ દેશભરની અનેક ટૂર્નામેન્ટમાં કરી રહ્યા છે.