ગુજરાતમાં હજુ વધશે ઠંડી! સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓ ઠુંઠવાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

cold-wave-gujarat

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. રાજ્યમાં 5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુંગાર, માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચતા બરફની ચાદર છવાઈ

ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે.

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં સાડાસાત ડિગ્રી તાપમાન ઘટી જતાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડાં અને તાપણા કરતા જોવા મળ્યા હતા.

રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી, એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો.

અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે.

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતાં બરફની ચાદર છવાઈ
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.

રાજ્યનાં મુખ્ય શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન

  • અમદાવાદ 13.4 ડિગ્રી
  • અમરેલી 11.8 ડિગ્રી
  • બરોડા 12 ડિગ્રી
  • ભાવનગર 13.8 ડિગ્રી
  • ભુજ 11 ડિગ્રી
  • ડીસા 10.6 ડિગ્રી
  • પોરબંદર 13.8 ડિગ્રી
  • રાજકોટ 9.7 ડિગ્રી
  • સુરત 15.8 ડિગ્રી