રાજકોટની ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો, બુધવારની રજા હોવાથી મોટી જાનહાની ટળી

gopal-namkeen

વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી તેમજ વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી, કામદારોમાં નાસભાગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ

રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં આગ લાગતાં દોડધામ મચી છે. આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતાં રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

રાજકોટ મેટોડા GIDCમાં આવેલું ગોપાલ નમકીન યુનિટ કુલ 5 માળનું આવેલું છે. આ 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતાં સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી આગ કાબૂ આવ્યો નથી. આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરબ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબૂ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બારીઓના કાચ તોડીને ચારેય દિશામાંથી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સતત બે કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન થઇ રહ્યા છે. આગનું વિકરાળ સ્વરૂપ જોતાં આ આગને કાબૂમાં આવતાં હજુ વધારે સમય લાગી શકે તેમ છે.

ફેક્ટરીમાં વેફર, ફ્રાઇમ્સ, પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતાં હોવાથી મોટા પ્રમાણમાં પૂઠાંનાં બોક્સ, તેલ, અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે, જોકે આગ લાગ્યાનું કારણ તપાસ બાદ જ સામે આવશે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.

બુધવારની રજા હોવાને કારણે મોટી નુકસાની ટળી
કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે, જોકે આજે બુધવારની રજા હોઈ, કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી.

ગોપાલ નમકીનના માલિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગ 1:50 આસપાસ લાગી હતી. જોકે સૌપ્રથમ મેટોડા એસો. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગ કબુમાં નહિ આવતા 2:36 મિનિટ રાજકોટ ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. આગ સૌપ્રથમ પેકેજીંગ યુનિટમાં લાગી હતી. જેને લઈને ઓફિસમાં રહેલો સ્ટાફ તરત જ બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ 50% આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગ સંપૂર્ણ પણે કાબુમાં આવતા 7-8 કલાકનો સમય લાગવાની શક્યતા છે.

મેટોડા GIDCમાં આજે બુધવારની રજા હોવાથી ફેક્ટરી બંધ હોય છે, જેના કારણે ગોપાલ નમકીનમાં પણ આજે કામદારોની સંખ્યા ઓછી હતી. જૂજ સંખ્યામાં જ કામદારો હતા. પોલીસના જણાવ્યા મુજબ સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

મેટોડા GIDCના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે લગભગ 2 વાગ્યા આસપાસ ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શોટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું છે. ફેક્ટરીમાં ફાયર સેફટીનાં સાધનો ઇન્સ્ટોલ કરાવ્યાં છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં મેજર કોલ આપવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડથી ફાયરબ્રિગેડને આવતાં સમય લાગી શકે છે. સ્વાભાવિક છે, પરંતુ રાજકોટ મનપા ફાયરબ્રિગેડને જાણ કરતાં એક ગાડી પ્રથમ મોકલી હતી, જેને અમે વધુ ફાયર ફાઈટર મોકલી મેજર કોલ હોવાનું જણાવતાં કુલ ચાર ફાયર ફાઈટર મોકલ્યાં હતાં. અત્યારે 8 જેટલાં ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કાબૂમાં આવી જાય એવું લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.