રાજ્યસભામાં ધનખર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, ઉપરાષ્ટ્રપતિ પદેથી હટાવવાની માંગ, TMCએ કર્યું વોકઆઉટ

india-block

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ INDIA ગઠબંધન એક થયા છે. વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની માંગ સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

સંસદમાં ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે વિપક્ષ હવે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ એકઠા થયા છે. જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિપક્ષ ઈન્ડિયા બ્લોક અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. વિપક્ષી ગઠબંધને આ અંગેનો પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને બપોરે 1.37 વાગ્યે રજૂ કર્યો છે. જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ, TMC, AAP, સપા, DMK, CPI, CPI-M અને RJD સહિત ઘણી પાર્ટીઓના 60 સાંસદોએ સહી કરી છે. આ પ્રસ્તાવ પર સોનિયા ગાંધી અને કોઈપણ પક્ષના ફ્લોર લીડરોએ હસ્તાક્ષર કર્યા નથી.

સંસદીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, જે પણ મુદ્દો હશે, અમે ગૃહની કાર્યવાહીમાં ખલેલ નહીં પહોંચાડીએ. સપા, TMC અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના ઘણા સાંસદો મારી પાસે આવ્યા હતા. સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાજ્યસભામાં ચર્ચા કરવા માંગે છે, માત્ર રાહુલ ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માંગતા નથી. કદાચ તેમને સંસદીય લોકશાહીમાં વિશ્વાસ જ નથી. દરેક સાંસદ ચર્ચા કરવા માંગે છે. દરેક સાંસદ માટે તેમનો સંસદીય વિસ્તાર મહત્વનો છે. પરંતુ રાહુલ માટે તેનું કોઈ મહત્વ નથી.

કોંગ્રેસ વતી જયરામ રમેશ અને પ્રમોદ તિવારીએ નદીમ ઉલ હક અને તૃણમૂલ કોંગ્રેસના સાગરિકા ઘોષ સાથે આ પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને સુપરત કર્યો હતો. વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવમાં આરોપ લગાવ્યો છે કે તેમને બોલવા દેવામાં આવ્યા નથી. વિપક્ષે ધનખર પર પક્ષપાત દ્વારા સદન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આગલા દિવસનું ઉદાહરણ આપતા વિપક્ષી દળોએ કહ્યું કે ટ્રેઝરી બેંચના સભ્યોને બોલવાની તક આપવામાં આવી હતી પરંતુ જ્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા.

બીજી બાજુ પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું કે, અમે જે પ્રદર્શન કરી રહ્યા છીએ તે સંસદની બહાર કરી રહ્યા છીએ. અમે રોજ પ્રયત્ન કરીએ છીએ પરંતુ સરકાર ચર્ચા ઈચ્છતી જ નથી. રોજ કોઈના કોઈ બહાને ગૃહને સ્થગિત કરવામાં આવે છે.

બીજેડીએ અવિશ્વાસ પ્રસ્તાવથી પોતાને દૂર રાખ્યા
બીજુ જનતા દળ (બીજેડી) એ ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને તેમના પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી પોતાને દૂર કરી દીધા છે. બીજેડીના રાજ્યસભા સાંસદ ડૉ. સસ્મિત પાત્રાએ કહ્યું છે કે આ પ્રસ્તાવ ઈન્ડિયા બ્લોક દ્વારા લાવવામાં આવ્યો છે. BJD એ ઈન્ડિયા બ્લોકનો ઘટક નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે BJD આ પ્રસ્તાવ પર તટસ્થ રહેશે. ડૉ. પાત્રાએ એમ પણ કહ્યું છે કે આ એક એવો વિષય છે જેની સાથે અમારો સંબંધ નથી.

અવિશ્વાસની દરખાસ્ત લાવવાની પ્રક્રિયા શું છે?
ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવા માટે બંધારણના અનુચ્છેદ 67B હેઠળ ઓછામાં ઓછા 50 સભ્યોની સહી સાથે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. નિયમો અનુસાર, સંબંધિત પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને 14 દિવસ પહેલા સબમિટ કરવો જોઈએ. જો રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતી દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે, તો તેને લોકસભામાં મોકલવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થયા બાદ તેના પર લોકસભાની સહમતિ પણ જરૂરી છે.

નોંધનીય છે કે દેશના સંસદીય ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે વિપક્ષી દળો રાજ્યસભામાં કોઈ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હોય.

સ્પીકરે ગૃહને બુધવાર સુધી સ્થગિત કરી દીધું
નોંધનીય છે કે, મંગળવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ હતી. પરંતુ લોકસભામાં હંગામાને કારણે સૌપ્રથમ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગે કાર્યવાહી શરૂ થયા બાદ પણ અદાણી-જ્યોર્જ સોરોસ મુદ્દે હોબાળો ચાલુ રહેતાં સ્પીકરે ગૃહને બુધવાર સુધી સ્થગિત કરી દીધું હતું. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.