RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે, 6 વર્ષ સુધી ગવર્નર રહેલા શક્તિકાંત દાસનો કાર્યકાળ નહીં લંબાવાય

rbi-governer-sanjayM

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના નવા ગવર્નર પદે રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની કમિટી દ્વારા મલ્હોત્રાની RBIના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ RBIના 26મા ગવર્નર હશે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. 11 ડિસેમ્બર, 2024થી તેઓ આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે.

RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી મલ્હોત્રા 11 ડિસેમ્બરથી ગવર્નરનું પદ સંભાળશે. અગાઉ શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવાના અહેવાલો મળ્યા હતા. પરંતુ કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતી સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બાદમાં શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

RBIના નવા ગવર્નર તરીકે, મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતાં બેવડા પડકારનો સામનો કરવો પડશે. આગામી ત્રણ વર્ષીય કાર્યકાળમાં રાજકોષીય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે. હાલ નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી અને માઇનિંગ ક્ષેત્રોમાં બહોળો 33 વર્ષનો અનુભવ છે.

સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ ક્ષેત્રોમાં પોલિસી ઘડવા સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

સંજય મલ્હોત્રાએ ભૂતકાળમાં રાજ્ય સંચાલિત આરઈસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. આ સિવાય રૅકોર્ડ ટેક્સ કલેક્શન હાંસલ કરવામાં પણ નોંધનીય ફાળો આપ્યો છે. બજેટ માટે ટેક્સ સંબંધિત દરખાસ્તો પર પણ તેઓ ધ્યાન આપશે.

મલ્હોત્રાની ગણતરી PM નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાં થાય છે
નાણાકીય બાબતોમાં મલ્હોત્રાની ગણતરી સુધારાવાદી અને મજબૂત કાર્યકારી અધિકારીઓમાં થાય છે. તેમને રાજસ્થાનના લગભગ તમામ વિભાગોમાં કામ કરવાનો અનુભવ છે. કેન્દ્રમાં નાણાં મંત્રાલયમાં કામ કર્યું છે. તેઓ પણ મૂળ રાજસ્થાનના છે. મલ્હોત્રાની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના પ્રિય અધિકારીઓમાં થાય છે.

સંજય મલ્હોત્રા વિશે આ વાત છે પ્રખ્યાત: તેઓ કોઈપણ મુદ્દા પર કામ કરતાં પહેલાં એના પર વ્યાપક સંશોધન કરે છે. પાર્કમાં ફરતી કે વોક કરતી વખતે પણ તેઓ ઇન્ટરનેટ પરથી કંઈક ને કંઈક શોધતા, સાંભળતા અને જોતા રહે છે. જ્યારે મુખ્યમંત્રી સામે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે ત્યારે માત્ર સંશોધનને ટાંકીને આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના શબ્દો અને વિચારોની ઊંડી અસર દરેક સભામાં જોવા મળે છે.