ભારતે બનાવ્યુ “જાદુઈ કાપડ”: આર્મીના જવાન, પ્લેન, તોપ થઈ જશે ગાયબ; કાપડ પાછળની વ્યક્તિ કે વસ્તુ કોઈ કેમેરા કે સેટેલાઈટ ઈમેજમાં દેખાશે નહી

Analakshya-main

Anālakṣhya: ભારતનાં વૈજ્ઞાનિકોએ એક એવુ મટિરિયલ તૈયાર કર્યુ છે જેના દ્વારા ભારતીય સેના બની જશે “મિ. ઈન્ડિયા”

તમને બોલીવુડની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ તો યાદ જ હશે, જેમાં એક એવુ ડિવાસઈ હતું કે જે પહેરવાથી માણસ અદ્રશ્ય થઈ જતો હતો. ત્યારે દરેકના મગજમાં એવો વિચાર તો આવ્યો જ હશે કે શું ખરેખર આવી કોઈ વસ્તુ હોય છે ખરી, કે જેના દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા અદ્રશ્ય થઈ શકે? તો જવાબ છે હા…. હવે આ શક્ય છે અને આ જાદૂઈ શોધ કરી છે ભારતનાં વૈજ્ઞાનિકોએ. તો ચાલો જાણીએ ભારતીય સેનાને ‘મિસ્ટર ઇન્ડિયા’ બનાવતી આ ટેક્નોલોજી વિશે…

IIT કાનપુરે એવું જાદુઈ મટીરીયલ બનાવ્યું છે જે કાપડ જેવુ છે અને તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ તેમજ મોટા મોટા પ્લેન પણ અદ્રશ્ય થઈ શકે છે. આ ટેકનોલોજીનું નામ છે “અનાલક્ષ્ય”. અનાલક્ષ્ય સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે અદૃશ્ય, ઇન્વિઝિબલ. જાડાં કપડાં જેવું ‘અનાલક્ષ્ય’ એક એવું મટિરિયલ છે, જે કોઈ પણ વસ્તુની ઉપર મૂકવાથી નીચેની દરેક વસ્તુ કેમેરા કે સેટેલાઈટ ઇમેજમાં આવશે જ નહીં.

IIT કાનપુરે સંરક્ષણ કાર્યક્રમો માટે એક ક્રાંતિકારી ટેકનોલોજી, અનટાર્ગેટેડ મેટામેટરિયલ સરફેસ ક્લોકિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. જે આપણા સૈનિકો, ફાઈટર પ્લેન્સ, ડ્રોન્સ, મહત્વપૂર્ણ હથિયારોને દુશ્મનોથી બચાવશે. આ કાપડની વિશેષતા એ છે કે આ ન તો દુશ્મનના રડારની પકડમાં આવે છે, સેટેલાઇટના કેમેરાની દ્રષ્ટિમાં આવે છે તેને ઈન્ફ્રારેડ કેમેરા, ગ્રાઉન્ડ સેન્સર્સ, વુડ સેન્સર્સ, થર્મલ ઈમેજરથી પણ જોઈ શકાશે નહી. અર્થાત આ મટીરીયલની પાછળ, અંદર શું છે તે કોઈને ખબર નહી પડે.

IIT-કાનપુરના સ્થાપના દિવસ નિમિત્તે યોજવામાં આવેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં “અનાલક્ષ્ય”ને રજૂ કરવામાં આવ્યું હતું. આ કાપડ દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગર્વની વાત તો એ છે કે આ મટિરિયલ આખી દુનિયામાં ફક્ત ભારત પાસે જ છે. જેની શોધ બદલ IIT કાનપુરે ‘અનાલક્ષ્ય’ની પેટન્ટ પણ લઈ લીધી છે અને સરકારે આર્મી માટે જથ્થાબંધ અનાલક્ષ્ય બનાવવા ‘મેટા તત્ત્વ’ કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. એમાંથી જવાનોના ડ્રેસ ઉપરાંત ડ્રોન, ટેન્ટ, ફાઇટર વિમાનો અને તોપગાડીઓનાં કવર પણ તૈયાર થઈ શકશે અને એ પહેરવાથી તેઓ સુરક્ષિત રહી શકશે અને દુશ્મનોની નજરમાંથી અદૃશ્ય પણ રહી શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કાપડ સંપૂર્ણપણે સ્વદેશી છે. વિદેશમાં આ પ્રકારનું જે કાપડ મળે છે એનાથી એ 6 થી 7 ગણું સસ્તું છે.

IIT કાનપુરના પ્રો. રાકેશ મોટવાની સભાગૃહમાં ઍર માર્શલ આશુતોષ દીક્ષિત અને IITના ડિરેક્ટર પ્રો. મણિન્દ્ર અગ્રવાલે મેટામટીરિયલ સર્ફેસ ક્લૉકિંગ સિસ્ટમ ‘અનાલક્ષ્ય’નું લોકાર્પણ કર્યું હતું. જે IIT કાનપુરના વૈજ્ઞાનિકો પ્રો. કુમાર વૈભવ શ્રીવાસ્તવ, પ્રો. એસ. અનંત રામકૃષ્ણન અને પ્રો. જે રામકુમારની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

‘અનાલક્ષ્ય’ મેટાતત્ત્વ નામની કંપની તૈયાર કરી રહી છે. આ મેટામટીરીયલ(કાપડ)ની પેટન્ટ માટે ૨૦૧૮માં અરજી કરવામાં આવી હતી જેને સ્વીકારી લેવાઈ છે. છેલ્લાં 6 વર્ષથી સેનાની સાથે રહીને આ ટેક્નૉલૉજીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે એ આર્મીની જરૂર પૂરી કરવા તૈયાર છે. ખૂબ ઝડપથી ઊડતાં ફાઇટર વિમાનો માટે પણ આ મટીરિયલમાંથી વધુ આધુનિક કાપડ તૈયાર કરવામાં આવ્યું છે.

વર્ષ 2019 થી ભારતીય સેના રડારથી બચવાની ટેકનોલોજીની શોધ ચલાવી રહી હતી ત્યારે જ તેને આઈઆઈટી કાનપુરના રિસર્ચ વિશે જાણકારી મળી હતી. મેટાતત્વ કંપનીના માલિક, સીઈઓ અને ભુતપૂર્વ એર વાઈસ માર્શલ પ્રવિણ ભટ્ટે જણાવ્યું હતુ કે એક વર્ષમાં સેનાને આ મેટામટીરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

‘અનાલક્ષ્ય’ વિષે માહિતી આપતાં તેના મુખ્ય શોધક અને IIT કાનપુરના પ્રોફેસર-સાયન્ટિસ્ટ ડૉ. અનંત રામકૃષ્ણને જણાવ્યુ કે ‘આ મટિરિયલને બનાવવા માટે હું 2000થી એટલે કે છેલ્લાં 24 વર્ષથી કામ કરું છું. પહેલાં 10 વર્ષ તો આ મેટામટિરિયલની સ્ટડી અને સમજણમાં જ નીકળી ગયા. 2010થી અમે આના યુઝ પર કામ કરતાં થયાં. DRDO (ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ને પણ સાથે રાખ્યું અને ડિફેન્સની જરૂર મુજબ તેમાં વધારે સુધારા કરતા ગયા.

વર્ષ 2015માં અમે એવું મેટામટિરિયલ બનાવી લીધું, જેની બેન્ડવિથ બહુ જ હાઇ હતી. પછી અમે એ રિસર્ચ કરવાની શરૂઆત કરી કે આ મટિરિયલથી ડિફેન્સમાં આપણે શું શું કરી શકીએ? 2018માં અમે એ બનાવી લીધું અને એની પેટન્ટ લઈ લીધી. (પેટન્ટ મળી જાય એટલે આપણી પરવાનગી વિના વિશ્વમાં કોઇ વ્યક્તિ-કંપની તે બનાવી ન શકે.) બાદમાં એ મટિરિયલને ગ્રાઉન્ડ પર ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. હજારો પરીક્ષણ પછી પાંચ વર્ષે અત્યારે હવે આર્મી માટે રેડી ટુ યુઝ છે. અત્યારે આ મટિરિયલથી આપણે આખેઆખું એરક્રાફ્ટ પણ સંતાડી શકીએ છીએ!’

ડૉ. અનંત કહે, ‘ઘણા લોકોની મહેનત છે આ મટિરિયલમાં. મુખ્યત્વે IIT કાનપુરના અમે ત્રણ વૈજ્ઞાનિકો અને ત્રણ વિદ્યાર્થીઓની મહેનત છે. જેમાં હું ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરું છું, એટલે ઓપ્ટિકલ, ઇન્ફ્રારેડ પ્રોપર્ટીઝને લગતો પાર્ટ મેં હેન્ડલ કર્યો છે. પ્રો. વૈભવ શ્રીવાસ્તવ ઇલેક્ટ્રોમેગ્નેટિકના માઇક્રોવેવ અને મેઝરમેન્ટ સિસ્ટમના ડિઝાઇન એક્સપર્ટ છે. પ્રો. રામકુમાર મિકેનિકલ એન્જિનિયર છે, એ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનના એક્સપર્ટ છે. અમે સાથે મળીને બનાવ્યું છે. સાથે જ ડિફેન્સને લગતી તમામ માહિતી માટે એર માર્શલ રાજેશકુમાર અને જનરલ ચેરીશ સરે ઘણો સાથ આપ્યો છે.’

નિવૃત્ત એર માર્શલ રાજેશ કુમાર કે જેમણે વર્ષો સુધી ઇન્ડિયન એરફોર્સનાં બધાં જ હથિયારો અને ડિફેન્સ સિસ્ટમને મેનેજ કરી છે. તેઓ જણાવે છે કે, ‘રડાર અને ઇન્ફ્રારેડ કિરણોમાં તો આ કમ્પ્લિટલી ઇન્વિઝિબલ છે. આવી પ્રોડક્ટ પૂરી દુનિયામાં કોઈ પાસે નથી. પ્રોફેસર અનંત અને મેટા તત્ત્વએ અત્યારે જે મટિરિયલ બનાવ્યું છે એ માનવામાં ન આવે એટલી મોટી સિદ્ધિ છે. આ રિસર્ચ અને ટેક્નિકમાં આપણે સૌથી આગળ છીએ. અત્યારે વિશ્વમાં જે સૌથી મોટાં બે યુદ્ધ ચાલે છે, એમાં પણ કોઈ મોટી જાનહાનિ નથી થઈ શકતી. કેમ કે જેવી થોડી ટેન્ક એકસાથે ભેગી થશે એટલે એ સેટેલાઈટમાં દેખાઈ જશે અને આર્મી સાવચેત થઈ જશે, બચાવ કરી લેશે. પણ આપણે જો આ ‘અનાલક્ષ્ય’નો ઉપયોગ કરીશું તો દુશ્મન દેશને આપણા હુમલાની જાણ જ નહીં થઈ શકે અને એ લોકો આપણા પર હુમલો પણ નહિ કરી શકે.’

અનાલક્ષ્યનો સૌથી મોટો ફાયદો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘હજુ જ્યારે આની વ્હાઇટ પ્રિન્ટ આવી જશે તો આપણને વધુ ફાયદો થશે. જેમ કે, આપણે હુમલો કરવાના હોઈએ ત્યારે જ્યાં આપણાં શસ્ત્રો ભેગાં થશે ત્યાં દુશ્મન હુમલો કરી દે તો આપણને ભયાનક નુકસાન થાય. એના બદલે જો આ મટિરિયલથી એ ઢંકાયેલાં હશે તો દુશ્મનને કોઈ સેટેલાઈટ કે કોઈ ડ્રોનથી ખબર નહીં પડી શકે કે આપણે શું મુવમેન્ટ કરી રહ્યા છીએ. વૉર ટાઈમ સિવાય પીસ ટાઈમમાં પણ આપણે આપણો સામાન એક લોકેશન પરથી બીજે ક્યાં મોકલી રહ્યા છીએ એના પર દુશ્મનની નજર પણ નહીં પડી શકે.’

“અનાલક્ષ્ય”નો ઉપયોગ ‘અત્યારે તો કોઈ વસ્તુ છુપાવવા માટે જ થઈ શકે છે. આર્મીના સેટેલાઈટ અને થર્મલ રડારમાં ઉપરથી જોતાં વાદળ, કોઈ મકાન કે છાવણીમાં રાખેલ એરક્રાફ્ટ કે કોઈ શસ્ત્રો પણ સ્કેન થઈ જાય છે. પરંતુ જો આનાથી તે ઢંકાયેલાં હશે તો એરક્રાફ્ટ રડારમાં નહીં આવી શકે, કોઈ ઇન્ફ્રારેડ કિરણોમાં પણ તે નહીં પકડાય.

40 વર્ષ સુધી ઇન્ડિયન આર્મી અને નેશનલ સિક્યોરિટીમાં સિનિયર ડિફેન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા કરીને વર્ષ 2019માં જ નિવૃત્ત થયેલ અને લેફ્ટનન્ટ જનરલ ચેરીશ મેથસન અનાલક્ષ્યનું મહત્ત્વ જણાવતા કહે છે કે, ‘કોઈપણ લડાઈ હોય એમાં ટાર્ગેટ શોધવો એ જ સૌથી મોટી વાત છે. દુશ્મનની પાસે જેટલી તાકાત છે, એને જોવી એ જ આપણી સૌથી મોટી તાકાત છે. તમે વર્લ્ડ વૉર 1 & 2ની ડોક્યુમેન્ટરીમાં પણ જોયું હશે કે જનરલના ગળામાં હંમેશા એક બાયનોક્યુલર લટકતું હોય છે, જેથી જનરલ પોતાની જગ્યાએથી જ પૂરેપૂરું બેટલફિલ્ડ જોઈ શકે. એ બાયનોક્યુલર જે કામ કરતું હતું એ જ કામ અત્યારના જમાનાંમાં સેટેલાઈટ કરે છે. સેટેલાઈટથી જ આખા બેટલ ફિલ્ડનો અંદાજ આવે છે. જો આપણે સેટેલાઈટની નજરમાંથી ગાયબ થઇ શકીએ તો જ બચી શકીએ. કારણ કે દુશ્મન જો એ આપણને જોઈ જ નહીં શકે તો આપણા પર હુમલો પણ નહીં કરી શકે.’

‘મેટા તત્ત્વ’ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને નિવૃત્ત વાઇસ એર માર્શલ પ્રવીણ ભટ્ટ જણાવે છે કે, ‘સાયન્ટિસ્ટોએ તો આ મટિરિયલ બનાવી નાખ્યું, પરંતુ ફિલ્ડ પર આનો ઉપયોગ કરવા માટે હજુ એમાં ઘણી મહેનત અને કસ્ટમાઇઝેશન કરવું પડશે. કારણ કે યુદ્ધ ભૂમિ પર તો ટેમ્પરેચર પણ અલગ અલગ હોય છે. રાજસ્થાન બાજુ ઘણા બોર્ડર વિસ્તારોમાં ટેમ્પરેચર 50 ડિગ્રી સે.થી વધુ છે, તો ઉત્તરમાં ઠંડા પ્રદેશોમાં ટેમ્પરેચર -30 ડિગ્રી સે.થી પણ નીચે જતું રહે છે. એટલે દરેક પરિસ્થિતિમાં આ મટિરિયલ કામ કરે એ રીતે એમાં થોડું કસ્ટમાઇઝેશન કરવું પડશે. આ કસ્ટમાઇઝેશનની પ્રોસેસમાં એર માર્શલ રાજેશ કુમાર અને જનરલ ચેરીશ મેથસને ઘણી મદદ કરી છે. 2 જુલાઇએ અમે આ ટેકનોલોજી પર કામ શરૂ કરી દીધું હતું અને અત્યારે તો અમે પ્રોડક્શન સ્ટેજ પર આવી ગયા છીએ.

અનાલક્ષ્ય જ નેક્સ્ટ ટેકનોલોજી છે…
પ્રવીણ ભટ્ટ કહે, ‘મહાભારત કાળમાં પણ સંજય જે રીતે દુશ્મનની હિલચાલનું બધું જ જોઈ શકતા હતા, એ રીતે આજના સમયમાં પણ દુશ્મન દેશની બધી જ ટેકનોલોજી, હલચલ અને છાવણી દરેકે જોવી હોય છે. સામેવાળા દેશની તાકાત અને ચાલ જો આપણને ખબર પડી જાય તો એ જ સૌથી મોટો ફાયદો છે. 1971 સુધી હજુ ઓપ્ટિકલ ફોટોગ્રાફી જ થતી. તેમાં સાદા કેમેરાથી પાડેલા ફોટા જેવું જ દેખાઈ શકતું. તમે જોયું હશે કે 1971ના યુદ્ધમાં આપણા સૈનિકો આખા શરીર પર અને માથા પર પણ પાંદડાંઓ પહેરીને ચાલતા જેથી ઉપરથી આપણે દેખાઈએ નહીં. 80ના દાયકામાં ઇન્ફ્રારેડ કેમેરા આવી ગયા. જેમાં તમે ક્યાંય પણ છૂપાયેલા હોય તો પણ તમારા શરીરની ગરમીથી તમે પકડાઈ જાઓ. એનાથી વધુ 1990 પછી રડાર આવી ગયાં, જે પહેલાં નેવીમાં અને પછી એરફોર્સમાં આવ્યાં. તેમાં 300 કિલોમીટર દૂર/ઉપરથી ફોટો પડી શકતા હતા. 2010થી સેટેલાઈટ ફોટોગ્રાફી વધુ સારી થઈ ગઈ. ત્યારે 10-12 સેટેલાઈટ હતા. એની સામે અત્યારે ડેવલપ્ડ ટેકનોલોજી સાથે 700-800થી વધુ સેટેલાઈટ ફરી રહ્યા છે. મતલબ કે સેટેલાઇટની નજરમાં ન હોય તેવો કોઈ શેડો એરિયા જ નથી બચ્યો. તમે ગમે ત્યાં હો, દુશ્મનની નજર તમારા પર રહેશે જ. એટલે હવે અનાલક્ષ્ય જ નેક્સ્ટ ટેકનોલોજી છે, જે સૌથી પહેલાં આપણી પાસે છે.’

એર વાઇસ માર્શલ પ્રવીણ ભટ્ટ કહે, ‘કંઈ જ નહિ, આના માટે કોઈ જ પાવર કે એક્સ્ટ્રા એનર્જીની જરૂર પડતી નથી. આ એકદમ પેસિવ છે. જે વસ્તુની સેન્સરને રોકવા માટે જરૂર પડે તે બધું જ મટિરિયલની અંદર જ છે. એટલે બહારથી કોઈ પાવરની જરૂર નથી પડતી. એના પર જે કોઈ પણ એનર્જી પડે એને ડિઝોલ્વ જ કરી દે છે.

વધુમાં એર માર્શલ રાજેશ કુમાર કહે છે કે, અનાલક્ષ્યનાં ઉપયોગથી પહેલું તો શેલ્ટર બનાવીને નીચે રાખી શકીએ છીએ. જેથી નીચે શું છે એ ખબર જ ના પડે. એ સિવાય મેટા તત્ત્વએ ટેન્ક માટે તો અત્યારથી જ મટિરિયલ બનાવી નાખ્યું છે, જેથી ટેન્ક તો ચાલતી હશે અને બોર્ડર સુધી પહોંચી જશે તો પણ કોઈ સેટેલાઈટ કે રડારમાં કેદ નહીં થાય. ઉપરાંત આપણી આર્મી માટે ગન્સ અને બધાં શસ્ત્રો પણ આપણે છુપાવી શકીએ છીએ.

ટેન્ક અને જવાનોના કપડાં માટે કામ થઈ રહ્યું છે

વાઇસ એર માર્શલ પ્રવીણ ભટ્ટ કહે છે, ‘આપણે જે કોઈ પણ વસ્તુની ઉપર અનાલક્ષ્યને મૂકીશું એને છુપાવી શકીશું. મતલબ એક ચાદરની જેમ આનો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય આપણે કવચ (CAVACH – કોમ્બેટ & આર્મર્ડ વ્હીકલ્સ એડવાન્સ કેમોફ્લાજ હાર્મોનાઇઝર)માં યુઝ કરવા અત્યારે ડેવલપ કરી રહ્યા છીએ. મતલબ કે ચાલતા જવાનો ઉપર તો આપણે કપડું મૂકી શકવાના નથી, ચાલતી ટેન્ક પર તો મુકાતું નથી. તો હવે ટેન્ક અને જવાનોના કપડાં છે, જેમાં આ સિસ્ટમ લગાવવાની ટેકનોલોજી પર અત્યારે કામ થઈ રહ્યું છે.

વાઇસ એર માર્શલ પ્રવીણ ભટ્ટ કહે, ‘એર ફોર્સ, આર્મી, નેવી અને સાથે હિંદુસ્તાનનાં બીજાં પણ એવાં બધાં એસેટ્સ માટે પણ અનાલક્ષ્યનો યુઝ થશે. એવાં બધાં જ એસેટ જેના પર દુશ્મન હુમલો કરી શકે છે, એ બધાને અનાલક્ષ્યથી પ્રોટેક્ટ કરવામાં આવશે. ફક્ત એરફોર્સ નહીં, પણ દેશની દરેક પ્રાઇવસી માટે આપણે અનાલક્ષ્યનો યુઝ કરીશું.’​​​​​​​

અનાલક્ષ્યનું મેન્યુફેક્ચરિંગ કરતા એર વાઇસ માર્શલ પ્રવીણ ભટ્ટ કહે, અનાલક્ષ્ય 100% મેડ ઇન ઈન્ડિયા જ છે.’