વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં આયોજિત ‘કાર્યકાર સુવર્ણ મોહત્સવ’ દરમિયાન BAPSના કાર્યોની પ્રશંસા કરી હતી.
BAPS Karyakar Suvarna Mahotsav: અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહંત સ્વામી દેશ-વિદેશમાં અસાધારણ સેવાકીય પ્રવૃતિ કરનારા BAPSના એક લાખ કાર્યકરોનું સમ્માન કરવાના છે. આજના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન મોદીએ BAPSની સેવાઓને બિરદાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં આયોજિત ‘કાર્યકાર સુવર્ણ મોહતવ’ને ડિજિટલ માધ્યમથી સંબોધિત કર્યું હતું. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે.
વિશ્વમાં ભગવાન સ્વામી નારાયણ મંદિરની ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું, ‘આજે ભગવાન સ્વામી નારાયણની 103મી જન્મજયંતિ છે, હું તેમને નમન કરું છું.’ તેમણે વધુમાં કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે મને BAPSના સેવા કાર્યોને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો છે. ભૂજમાં ભૂકંપની તબાહી પછીની સ્થિતિ હોય, નરનારાયણ નગરના પુનઃનિર્માણની વાત હોય, કેરળમાં વિનાશક પૂર, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન તેમજ કોરોના મહામારી સમયે BAPSના કાર્યકરો પરિવારભાવથી પડખે ઉભા રહ્યા. BAPSના કાર્યકરોએ કરુણા ભાવે સૌની સેવા કરી હતી. સૌ કોઈએ જોયું કે, કોરોના કાળમાં કેવી રીતે BAPS મંદિરો સેવા કેન્દ્રોમાં ફેરવાઈ ગયા હતા.
વધુમાં તેમણે કહ્યું કે ‘થોડા મહિના પહેલા અબુ ધામીમાં ભગવાન સ્વામી નારાયણના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મને એ કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી. એ કાર્યક્રમ અને એ મંદિર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા. વિશ્વએ ભારતનો આધ્યાત્મિક વારસો જોયો અને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અનુભવી. આવા પ્રયાસો ભારતની સાંસ્કૃતિક ગૌરવ અને માનવતાની મહાનતા વિશ્વ સમક્ષ લાવે છે. આ માટે હું દરેકનો આભાર માનું છું.’
તેમણે આગળ કહ્યું, ‘આ દિવસોમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ દિશામાં તમારા પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આવા ઘણા વધુ કાર્યો કરી શકો છો, જે ભારતના વિકાસને વેગ આપી શકે છે, જેમ કે યુવા વિચારોને નવી તકો આપવા માટે ફિટ ઈન્ડિયા અભિયાન. જાન્યુઆરીમાં, ‘વિકસિત ભારત માટે યુવા નેતાઓનો સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આમાં આપણા યુવાનો તેમના વિચારો આપશે, જેથી વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરી શકાય.’
‘બીએપીએસના કાર્યકરો રાતોરાત એક થયા’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘જ્યારે યુક્રેનમાં યુદ્ધ વધવા લાગ્યું ત્યારે ભારત સરકારે તરત જ ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનો નિર્ણય લીધો. આ પછી મોટી સંખ્યામાં ભારતીયો પોલેન્ડ પહોંચવા લાગ્યા. તે યુદ્ધના વાતાવરણમાં ભારતીયોને મહત્તમ મદદ કેવી રીતે આપવી તે એક પડકાર હતો. પછી મેં BPAS ના એક સંતનો સંપર્ક કર્યો. મને યાદ છે, રાતના 12 કે 1 વાગ્યા હતા. મેં તેમને વિનંતી કરી કે પોલેન્ડ પહોંચેલા ભારતીયોને મદદ કરવા માટે મને તમારા સહકારની જરૂર છે.’
તેમણે કહ્યું, ‘મેં જોયું કે કેવી રીતે BAPS એ સમગ્ર યુરોપમાંથી તેના કાર્યકરોને રાતોરાત એક કર્યા. BAPS ની આ શક્તિ અને માનવ કલ્યાણમાં તેનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે. તો આજે કાર્યકાર સુવર્ણ મહોત્સવના આ અવસર પર હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.’