એક મુલાકાતમાં મમતાએ કહ્યું કે અત્યારે જે લોકો I.N.D.I.Aનું નેતૃત્વ કરી રહ્યા છો તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે તાજેતરની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓમાં ઇન્ડિયા બ્લોકના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ હવે તેનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર છે. મમતા બેનર્જીના નિવેદન પર શિવસેનાથી લઈને આરજેડી અને સમાજવાદી પાર્ટી સુધી નિવેદનો સામે આવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ વિપક્ષી પાર્ટીઓના સંગઠન ‘ઇન્ડિયા ગઠબંધન’ની જવાબદારી સંભાળવાની વાત કરી નવો વિવાદ ઉભો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ ‘ઇન્ડિયા ગઠબંધન’ જવાબદારી મળવાના સંજોગોમાં તેને બંગાળથી ચલાવી શકે છે.
મમતાએ કહ્યું કે અત્યારે જે લોકો‘ઇન્ડિયા ગઠબંધન’નું નેતૃત્વ કરી રહ્યા છો તેઓ તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી. લોકો મને પસંદ કરતા નથી, પણ હુ સૌ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં છું તથા તે સૌને સાથે રાખી ચાલી શકું છું. હું બંગાળની માટીને છોડીને ક્યાય જવા ઈચ્છતી નથી. મારો જન્મ બંગાળમાં થયો છે અને હું અહીં જ અંતિમ શ્વાસ લઈશ.
એક તરફ ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓએ મમતાના નિવેદનની ટીકા કરી છે, તો કેટલાકે તેનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું છે કે મમતા બેનર્જીને આવું લાગે છે પરંતુ અમને એટલે કે કોંગ્રેસને એવું નથી લાગતું. તેમના કહેવાથી તેમની પાર્ટી ચાલે છે, અમે તો કોંગ્રેસના કહેવા ચાલી એ છીએ.
મમતા બેનર્જીના નિવેદન પર કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે કહ્યુ કે મમતા બેનર્જી મોટા નેતા છે પરંતુ રાહુલ ગાંધી સિવાય કોઈ દેશમાં નેતૃત્વ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ સાથે જ સમાજવાદી પાર્ટીએ મમતા બેનર્જીના નિવેદન પર સહમતિ વ્યક્ત કરી છે, જેના કારણે કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે.
સમાજવાદી પાર્ટીના નેતા અને પ્રવક્તા ઉદયવીર સિંહે કહ્યું છે કે જો મમતા બેનર્જીએ કોઇ ઇચ્છા વ્યક્ત કરી હોય તો ઇન્ડિયા બ્લોકના નેતાઓએ તેના પર વિચાર કરીને તેમનો સહયોગ લેવો જોઇએ. આનાથી ઇન્ડિયા ગઠબંધન મજબૂત થશે. મમતાએ બંગાળમાં ભાજપને રોકવાનું કામ કર્યું હતું. સપા નેતાએ કહ્યું કે જ્યાં પણ વિપક્ષની સરકાર ન બની શકી ત્યાં કોંગ્રેસ પાર્ટી મુખ્યત્વે સૌથી મોટી પાર્ટી છે.
રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ ઉપર ટીએમસીના વિરોધી ડાબેરી પક્ષોએ પણ પ્રહારો કર્યા છે. ડાબેરી નેતા ડી રાજાએ કહ્યું કે કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવું પડશે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થવી જોઈએ. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગઠબંધન સહયોગીનો સાથ ન લીધો જેના કારણે પાર્ટીને નુકસાન થયું.
શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે તેઓ મમતા દીદીનો અભિપ્રાય જાણે છે અને તેઓ અમારી સાથે છે. રાઉતે કહ્યું કે જો કોઈ નાના-મોટા મતભેદો છે તો અમે તેના માટે મમતા બેનર્જી સાથે વાત કરીશું.