ખેડૂતોની દિલ્હી કૂચ બાદ શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, 7 ખેડૂતો ઘાયલ

kisan andolan

જો અમને દિલ્હી જવા દેવાશે નહીં તો સાંજે અમે રણનીતિ બનાવીશું. સરકાર કાં તો અમને દિલ્હી જવા દે અથવા વાત કરે.

પંજાબ-હરિયાણા બોર્ડર પર છેલ્લા 9 મહિનાથી પડાવ નાખી રહેલા ખેડૂતોએ બપોરે 1 વાગ્યે 101 ખેડૂતોના જૂથને દિલ્હી મોકલ્યું હતું. આ પછી ખેડૂતોએ બેરિકેડ અને કાંટાળી તાર ઉખેડી નાખ્યા. આ પછી હરિયાણા પોલીસે તેમને ચેતવણી આપી અને ટીયર ગેસના શેલ છોડ્યા, 7 ખેડૂતો ઘાયલ થયા.

ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂત માર્ચના કારણે દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. શંભુ બોર્ડર, સિંધુ બોર્ડર તેમજ ખનૌરી બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે.

પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો
શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. ખેડૂતો આગળ વધતાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 7 ખેડૂતો ઘાયલ
હરિયાણા પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના શેલને કારણે અત્યાર સુધીમાં 7 ખેડૂતો ઘાયલ થયા છે. જૂથનું નેતૃત્વ કરી રહેલા સુરજીત ફૂલને પણ અસર થઈ છે. 2 ખેડૂતોની તબિયત લથડી છે. તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તે જ સમયે, ખેડૂતો પોતાને ટીયર ગેસના શેલથી બચાવવા માટે ભીની બોરીઓ લાવ્યા છે, જેથી શેલ પડતાની સાથે જ તેઓ ભીની બોરીઓ તેના પર ફેંકી શકે અને ધુમાડાથી બચી શકે.

મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? અનિલ વિજ
ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જો મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવાશે.

સરકાર કાં તો અમને દિલ્હી જવા દે અથવા વાત કરે
ખેડૂત આગેવાન સરવન પંઢેરે કહ્યું કે અમે શાંતિથી જવા માગતા હતા. તેઓએ અમને જંતર-મંતર કે રામલીલા મેદાનમાં જગ્યા આપી હોત. અમે ત્યાં અમારા વિચારો વ્યક્ત કરી શકતા હતા. આખી દુનિયા જોઈ રહી છે કે આપણી સાથે શું થઈ રહ્યું છે. પંઢેરે કહ્યું કે અમે આગળ વધીશું. અમને આશા છે કે સરકાર મંત્રણાનો માર્ગ ખોલશે. તેમણે કહ્યું કે અમે હવે રાહ જોઈ રહ્યા છીએ, જો અમને દિલ્હી જવા દેવાશે નહીં તો સાંજે અમે રણનીતિ બનાવીશું. પંઢેરે કહ્યું કે સરકાર કાં તો અમને દિલ્હી જવા દે અથવા વાત કરે. તેમણે કહ્યું કે અમારો કોઈપણ રાજ્ય સરકાર સાથે કોઈ મુદ્દો નથી.

અંબાલામાં BNSSની કલમ 163 લાગૂ
અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ નોઇડા સીમા પર નજર રાખી રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું અન્ય એક સમૂહ ધરણા પર બેઠું છે. અંબાલામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ધારા 163 હેઠળ (IPC ની કલમ 144) હેઠળ પ્રતિબંધિત આદેશ હોવા છતાં, 100થી વધારે ખેડૂતો શુક્રવારે શંભુ સરહદથી દિલ્હી પગપાળા કૂચ શરૂ કરવા માટે તૈયાર છે. જેમાં પાંચથી વધારે વ્યક્તિઓની કોઈપણ ગેરકાયદેસર સભાને પ્રતિબંધિત કરવામાં આવી છે.

9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ
અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. અંબાલામાં DC એ પોતાના આદેશ સુધી પગપાળા, ગાડી અથવા બીજા માધ્યમથી કોઈપણ સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન, ખેડૂત આંદોલનના કારણે સત્તાવાર આદેશ બાદ આજે અંબાલામાં તમામ સરકારી પ્રાઇવેટ સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે.

આ પહેલાં ગુરૂવારે પંજાબના DIG (પટિયાલા રેન્જ) મંદીપ સિંહ સિદ્ધુ અને SSP (પટિયાલા) નાનક સિંહે શંભુ બોર્ડર પર પંઢેર અને સુરજીત સિંહ ફુલ સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે, ખેડૂતોએ પોલીસને આશ્વાસન આપ્યું છે કે, તેઓ શાંતિ જાળવી રાખે અને માર્ચમાં ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેલ નહીં કરે.

ખેડૂત નેતાઓએ પહેલાં જાહેરાત કરી હતી કે, ખેડૂતોએ પહેલાં સમૂહનું નેતૃત્તવ સતનામ સિંહ પન્નૂ, સુરિંદર સિંહ ચૌટાલા, સુરજીત સિંહ ફૂલ અને બલજિંદર સિંહ કરશે. આ દરમિયાન, સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીત સિંહ દલ્લાવેલા ગુરૂવારે ખનૌરી બોર્ડર પર પોતાનું આમરણ ઉપવાસ શરૂ રાખ્યાં છે.