IPLની બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 1 લાખ કરોડ થઈ, ચેન્નઈ સુપર કિંગ્સની વેલ્યુ સૌથી વધુ 1,033 કરોડ,

ipl-brand-value

વિશ્વની સૌથી લોકપ્રિય T-20 ક્રિકેટ લીગ IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર, એટલે કે 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્રાન્ડ વેલ્યુએશન કંપની બ્રાન્ડ ફાઇનાન્સના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

2023માં પહેલીવાર IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 10 બિલિયન ડોલરને પાર કરી હતી. ગયા વર્ષે એ 10.7 અબજ ડોલર હતી. જ્યારે 2009માં વેલ્યુએશન 2 બિલિયન ડોલર એટલે કે 16,943 કરોડ રૂપિયા હતું.

ચાર ટીમની બ્રાન્ડ વેલ્યુ પહેલીવાર 100 મિલિયન ડોલરને પાર
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચાર IPL ટીમ- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની બ્રાન્ડ વેલ્યુ પણ પહેલીવાર $100 મિલિયનને વટાવી ગઈ છે.

IPLની 10 ટીમમાં CSKની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ
IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. ચેન્નઈનું વેલ્યુએશન 52% વધીને 1,033 કરોડ રૂપિયા થયું છે. બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં મુંબઈ બીજા સ્થાને છે, એનું વેલ્યૂએશન 36% વધીને 1,008 કરોડ રૂપિયા થયું છે.

RCB રૂ. 991 કરોડ (+67%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને છે. KKR રૂ. 923 કરોડ (+38%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથા સ્થાને છે. જ્યારે આ યાદીમાં SRH પાંચમા નંબરે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ
તમામ ટીમોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ છે. ટીમનું વેલ્યુએશન 76% વધીને રૂ. 719 કરોડ થયું છે. આ લીગના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને નાણાકીય સિદ્ધિને દર્શાવે છે.

ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુમાં 5%નો વધારો થયો
જ્યારે રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુ 30%, દિલ્હી કેપિટલ્સ 24%, પંજાબ કિંગ્સ 49% અને લખનઉ સુપર જાયન્ટ્સ 29% વધી છે. ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુ ઓછામાં ઓછી 5% વધી છે.

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં સ્પોર્ટ્સ કોમર્સ પર આઇપીએલની નોંધપાત્ર અસર પર ભાર મૂકવામાં આવ્યો છે, જે ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ક્ષેત્રોમાં 1.25 મિલિયન રોજગારીની તકોનું સર્જન કરે છે, જ્યારે તેની અસર UAE, સાઉદી અરેબિયા, યુએસ અને ઓસ્ટ્રેલિયાના બજારોમાં જોવા મળે છે .