આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવા વિભાગના તેમજ અન્ય મળીને 4.71 લાખ કર્મચારીઓ અને અંદાજિત 4.73 લાખ નિવૃત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળશે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ, હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024થી નવેમ્બર-204 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે (પેઇડ ઇન જાન્યુઆરી-2025) રોકડમાં ચૂકવવાની રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
આ મોંઘવારી ભથ્થાનો લાભ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગારસુધારણા મંજૂર કરવામાં આવ્યો છે તેમને મળવાપાત્ર થશે.
પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિનસરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા થયો છે તેમને મળવાપાત્ર થશે. આ નિર્ણય અખિલ ભારતીય સેવા (A.I.S.) અધિકારીઓને પણ લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દર જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થતી હોય છે. અગાઉ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થુ આપવામાં આવ્યું હતુ. જો કે મોંઘવારી ભથ્થાનો આ લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો નહતો. જો કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જુલાઈ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા 9.44 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.