ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ હાલમાં ફુલ ફોર્મમાં છે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. આજે ઉર્વિલે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. આ સદી T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી સૌથી ઝડપી સદી છે. થોડા દિવસ પહેલા જ તેણે ત્રિપુરા સામે 28 બોલમાં સદી ફટકારી હતી.
ગુજરાતના ઓપનિંગ બેટર ઉર્વીલ પટેલે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 183 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે માત્ર 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 સિક્સ અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતની ટીમે આ ટાર્ગેટને 8 વિકેટ અને 35 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ પહેલા, ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા.
ઉર્વીલના 36 બોલમાં સદી ફટકારવાના આ પ્રદર્શનને કારણે તે T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી ઝડપી સદીનો માલિક બની ગયો છે. જ્યારે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે.
રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ગૌરવ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે 2024માં સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વીલની ત્રિપુરા સામેની 28 બોલમાં ફટકારેલી સદી આ યાદીમાં બીજા નંબરે છે. 2013માં RCB માટે રમતા ક્રિસ ગેઈલે પુણે સામે 30 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે SMAT 2018માં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં અને વિહાન લુબ્બે (ઉત્તર-પશ્ચિમ)એ 33 બોલમાં લિમ્પોપો સામે સદી ફટકારી હતી.
IPL ઓક્શનમાં આ વખતે અનસોલ્ડ રહ્યો, પણ આશા જીવંત
26 વર્ષીય ઉર્વિલ પટેલને IPL 2025ના ઓક્શનમાં 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર રજીસ્ટર્ડ થયો હતો. પરંતુ તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. તે વિકેટકીપર બેટર છે. ઉર્વીલ cહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેણે 2018માં મુંબઈ સામેની T20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો. પરંતુ રણજી ટ્રોફીની છેલ્લી આવૃત્તિમાં ડેબ્યુ કરતા પહેલા તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો.
2023માં ગુજરાતે ઉર્વિલને 20 લાખમાં ખરીદ્યો હતો
ગુજરાત ટાઇટન્સે ઉર્વિલને 2023ની સિઝન માટે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. GTએ રિલીઝ કર્યા પછી, ઉર્વીલને આગલી આવૃત્તિ માટે કોઈ ટીમ મળી ન હતી. 44 T20 મેચમાં, તેણે 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટથી 988 રન બનાવ્યા છે, જેમાં તેના નામે એક સદી અને ચાર અડધી સદી છે.
જોકે ઉર્વીલ હજુ પણ IPL 2025માં રમી શકે છે, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને ફ્રેન્ચાઈઝી તેને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરે છે, તેવી સ્થિતીમાં તે IPL 2025માં રમી શકે છે.