સૂર્યકુમાર યાદવે 46 બોલમાં 152.17ના સ્ટ્રાઇક રેટની મદદથી 70 રન બનાવ્યા. શિવમ દુબેએ 37 બોલમાં 191.89ના સ્ટ્રાઇક રેટથી 71 રન બનાવ્યા
SyedMushtaqAliTrophy: જુલાઈ 2024થી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટથી દૂર રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી શિવમ દુબેએ જબરદસ્ત વાપસી કરી છે. સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતા દુબેએ સર્વિસીસ સામે માત્ર 36 બોલમાં 71 રનની ઝડપી ઇનિંગ રમી હતી. શિવમની સાથે સૂર્યકુમાર યાદવે પણ ધમાકેદાર બેટીંગ કરી હતી. બંને ખેલાડીઓએ 11 ઓવરમાં 130 રનની ભાગીદારી કરી હતી. શિવમ દુબેએ ઇનિંગ દરમિયાન 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાની તક મળ્યા બાદ મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. મુંબઈની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે માત્ર 60 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ક્રિઝ પર આવેલા શિવમ દુબેએ સૂર્યકુમાર યાદવની સાથે ચાર્જ સંભાળ્યો હતો. શિવમ દુબેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દુબેએ માત્ર 36 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન શિવમે 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ચોથી વિકેટ માટે શિવમે સૂર્યકુમાર સાથે મળીને 130 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે મુંબઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રનનો સ્કોર બનાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવે પણ શાનદાર બેટિંગ કરી
સૂર્યકુમાર યાદવે પણ શિવમ દુબે સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યાએ 46 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન સૂર્યાએ 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
જો કે પૃથ્વી શો, અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યર બેટિંગથી કંઈ ખાસ કરી શક્યા ન હતા. શૉ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે રહાણે માત્ર 22 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે જ સમયે, 14 બોલમાં 20 રન બનાવ્યા પછી, શ્રેયસ પણ વિકાસ યાદવના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
ટૂર્નામેન્ટમાં મુંબઈએ આપેલા 193 રનના ટાર્ગેટના જવાબમાં સર્વિસીઝની આખી ટીમ 153 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. બોલિંગમાં શાર્દુલ ઠાકુરે તબાહી મચાવી હતી અને મુંબઈ માટે માત્ર 25 રનમાં ચાર વિકેટ લીધી હતી. જ્યારે શમ્સ મુલાનીએ ત્રણ વિકેટ ઝડપી હતી.