મહારાષ્ટ્રમાં બહુમતી પછી પણ હજી સરકાર નથી બનાવી શક્યા, આ તો જનાદેશનું અપમાન કહેવાયઃ શરદ પવારે

sharadPawar

મહારાષ્ટ્રના પરિણામો બાદ નવી સરકારની રચનામાં વિલંબને લઈને શરદ પવારે મહાયુતિ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આટલી મોટી બહુમતી મળ્યા પછી પણ આ લોકો હજી સરકાર બનાવી શક્યા નથી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયે આઠ દિવસ પસાર થઈ ગયા છે, પરંતુ હજી સુધી મુખ્યમંત્રી કોણ બનશે, તેના વિશે સ્પષ્ટતા થઈ નથી. પ્રચંડ જીત મેળવનારા મહાયુતિ ગઠબંધન રોજ-રોજ નવી બેઠકો કરી આ મુદ્દે ચર્ચા કરી રહ્યું છે, પણ અંતિમ નિર્ણય લઈ શકી નથી. જેથી આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતાં વિપક્ષ ગઠબંધને આકરા પ્રહારો કર્યા છે.

મહાવિકાસ અઘાડીમાં સામેલ એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવારે મહાયુતિની ટીકા કરતાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનને લઈને હજી સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. આ સ્પષ્ટપણે જનાદેશનું અપમાન છે. તેમણે કહ્યું કે આ સ્પષ્ટ સંકેત આપે છે કે, મહાયુતિ માટે જનાદેશ કોઈ મહત્વનો નથી.

હજુ સરકાર બનાવી નથી શક્યા: શરદ પવાર
શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સમગ્ર ચૂંટણી તંત્રને નિયંત્રિત કરવા માટે સત્તા અને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જે અગાઉ કોઈ રાજ્યની વિધાનસભા અથવા રાષ્ટ્રીય ચૂંટણીમાં જોવા મળ્યો ન હતો. ઈવીએમમાં ​​વોટ નાખવાના કેટલાક નેતાઓના દાવાઓમાં કેટલીક સત્યતા છે, પરંતુ તેમની પાસે તેની પુષ્ટિ કરવા માટે પુરાવા નથી.

લોકશાહી ખતમ કરવા માંગે છે ભાજપ – શરદ પવાર
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે સંસદીય લોકશાહી ખતમ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, તેથી મોટા પાયે બળવો જરૂરી છે. આ મુદ્દે જનતાને એક જન આંદોલન કરવા પણ આહ્વાન કર્યું છે. જેઓ દેશની જવાબદારી સંભાળે છે તેઓને તેની બિલકુલ પરવા નથી. તેમણે દાવો કર્યો કે દેશમાં ઈવીએમના કથિત દુરુપયોગ પર વ્યાપક ચર્ચા છતાં જ્યારે પણ વિપક્ષ સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને બોલવા દેવામાં આવતા નથી. આ દર્શાવે છે કે તેઓ સંસદીય લોકશાહી પર હુમલો કરવા માંગે છે.