હિન્દુઓને ટાર્ગેટ કરીને કરાઈ રહ્યા છે હુમલા, બાંગ્લાદેશમાં હિંસા મુદ્દે ભારતનું આકરું વલણ

randhir-jaiswal

બાંગ્લાદેશે હિંદુઓની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ, તેમના હિતોનું રક્ષણ કરવું, તેમની સુરક્ષા પૂરી પાડવી જોઈએ

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. હાલમાં જ ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય દાસને ત્યાંની સરકારે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારે હવે ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરૂદ્ધ વધતા સંકટ અને ટાર્ગેટેડ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી.

વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશને કડક સંદેશ આપ્યો છે.

બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ અંગે, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલ કહે છે, “જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓની સ્થિતિનો સંબંધ છે ત્યાં સુધી અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. અમે બાંગ્લાદેશ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે કે તેમણે હિંદુઓની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ. લઘુમતીઓ અને તેમના હિતોનું રક્ષણ કરવું, તેમની સુરક્ષા પૂરી પાડવી…”

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાક્રમોને માત્ર મીડિયા દ્વારા ચગાવવામાં આવી રહ્યો છે તેવું સમજીને નકારી ન શકાય. ઈસ્કોન એક વિશ્વ સ્તરીય પ્રતિષ્ઠિત સંગઠન છે, જેનો સમાજ સેવાનો મજબૂત રેકોર્ડ છે. અમે એકવાર ફરી બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનું આહ્વાન કરીએ છીએ.’

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર જયસ્વાલે કહ્યું, ‘અમે ઇસ્કોનને સામાજિક સેવાના મજબૂત રેકોર્ડ સાથે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે જોઈએ છીએ. જ્યાં સુધી ચિન્મય દાસની ધરપકડનો સવાલ છે, અમે તેના પર અમારું નિવેદન આપ્યું છે… વ્યક્તિઓ વિરુદ્ધ કેસ અને કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રક્રિયાઓ નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે, આ વ્યક્તિઓ અને તમામ સંબંધિત લોકો માટે સંપૂર્ણ સન્માન સુનિશ્ચિત કરવામાં આવશે…’ ભારતથી બાંગ્લાદેશને માલના સપ્લાય પર, MEA પ્રવક્તાએ કહ્યું, ‘ભારત તરફથી માલનો પુરવઠો બાંગ્લાદેશ ચાલુ રહે છે. અને તે જ રીતે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બંને દિશામાં વેપાર ચાલુ છે.આ બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રાલયે આ અઠવાડિયામાં આવું નિવેદન આપ્યું હોય.

કાજી શરીફુલ ઇસ્લામની આગેવાની વાળી મેજસ્ટ્રેટ કોર્ટે હિન્દુ નેતાને જામીન આપવાની ના પાડી દીધી અને આગળની કાર્યવાહી સુધી તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. જો કે, જ્યારે પોલીસે તેમને જેલ લઈ જવાનો પ્રયાસ કર્યો તો તેમના સમર્થકોના એક મોટા જૂથે વાનને ઘેરી લીધી અને વિરોધમાં વાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો.