પાકિસ્તાનની મહિલા એજન્ટ દિપેશને કોસ્ટગાર્ડની શીપની માહિતી આપવા બદલ દરરોજના 200 રૂપિયા આપતી હોવાનું સામે આવ્યુ છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરતા પકડાયેલા શખ્સની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મામલે હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે. હાલ મળતી વિગતો અનુસાર આ જાસૂસ કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત એટીએસના વડા દિપેન ભદ્રન અને તેમની ટીમે બાતમીને આધારે દેવભૂમિ દ્વારકામાં એક ગુપ્ત ઓપરેશન કરી પાકિસ્તાની જાસુસને ઝડપી લીધો હતો. ઓખા પાસે દેવભૂમિ દ્વારકામાં રહેતા દિપેશ ગોહીલ નામના શખ્સને એટીએસે ઝડપી લીધો હતો. દિપેશ ગોહીલ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. એટીએસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દિપેશ ભારતીય જળ સીમામાં પેટ્રોલીંગ કરતી કોસ્ટગાર્ડની શીપની મુવમેન્ટ જાણી આ ગતિવિધિ અંગેની માહિતી પાકિસ્તાનની મહિલા એજન્ટને મોકલતો હતો. પ્રાથમિક તપાસ તેમજ પૂછપરછમાં પાકિસ્તાની સાહિમા નામની મહિલા એજન્ટે સોશિયલ મીડિયા પર દિેનેશ સાથે સંપર્ક કરી સંવેદનશીલ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનની મહિલા એજન્ટ કોસ્ટગાર્ડની શીપની માહિતી આપવા બદલ દરરોજના દિનેશને 200 રૂપિયા આપતી હોવાનું પણ સામે આવ્યું છે.
ફેસબૂકથી પાકિસ્તાનની સાહિમાના સંપર્કમાં આવ્યો હતો
ગુજરાત એટીએસના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટનું રીપેરીંગ કામ કરતા દિનેશનો આજથી સાત મહિના પહેલા ફેસબુક પર સાહિમા નામ ધરાવતી એક પ્રોફાઈલના સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ સાહિમા ફેસબુક પ્રોફાઈલધારકે દિપેશ ગોહિલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો.
સાહિમાએ દિપેશને તેના કામ વિષે પૂછતા તેને ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ અને ઈલેક્રટ્રીક કામ કરતો હોવાનું જણાવેલ. ત્યારબાદ સાહિમાએ તેને કોસ્ટગાર્ડની શીપના નામ તથા નંબરની માહિતી આપવા બદલ રોજના રૂ. 200 આપવાનુ કહેતા દિપેશે પૈસાની લાલચમાં સાહિમાને વોટસએપ પર દરરોજ ઓખા જેટી પર જઈ ત્યાં હાજર બોટોના નામ અને નંબરની માહિતી મોકલતો. તેના રુપયા પોતાના મિત્રોના યુપીઆઈ લીંક્ડ બેંક ખાતામાં જમા કરાવતો. છેલ્લા સાત આઠ મહિના દરમિયાન 42 હજાર જેટલા રૂપયા જમા કરાવવામાં આવ્યા હતા.
સાહિમા પાકિસ્તાની હોવાની દિપેશને હતી જાણ
ATSનું કહેવું છે કે, સાહિમાએ દિપેશને કહ્યું હતું કે તે પાકિસ્તાન નેવીમાં છે છતા દિપેશે ગુપ્ત માહિતી આપતો રહ્યો. દિપેશને ખબર જ હતી કે તે દેશ વિરોધી કાર્ય કરી રહ્યો છે છતા તેણે ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી. જેના કારણે ATSએ તેને દબોચી ગુનો નોંધ્યો છે. લાલચમાં આવીને દિપેશે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગે છે તેવું ATSનું કહેવું છે..
દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજાં કેટલાંક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્ત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.
એક મહિના પહેલાં પોરબંદરથી પણ એક જાસૂસ ઝડપાયો હતો
એક મહિના પહેલાં પોરબંદરમાંથી પણ કોસ્ટગાર્ડની જાસૂસી કરતા એક શખ્સને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ATSએ આરોપી પંકજની અટકાયત બાદ પૂછપરછ હાથ ધરતાં તે પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી પરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.