દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે જોરદાર વિસ્ફોટ, ઘટનાસ્થળે સફેદ પાઉડર જેવી વસ્તુ વિખેરાયેલી મળી

delhi-blast2

Prashant Vihar Blast: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર નજીક એક જોરદાર વિસ્ફોટ થયાની માહિતી સામે આવી રહી છે. દિલ્હી પોલીસને આ ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.

દિલ્હીના પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની બહાર બ્લાસ્ટ થયાને બે મહિના જ થયા છે કે આજે સવારે એટલે કે 28 નવેમ્બરે એ જ વિસ્તારમાં બીજા બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા. સવારે લગભગ 11:48 વાગ્યે પ્રશાંત વિહારમાં બંસી સ્વીટ્સની સામે એટલો જોરથી ધડાકો થયો કે આસપાસના લોકો પણ ચોંકી ગયા અને દરેક લોકો ઘરની બહાર આવી ગયા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અચાનક ધડાકો ખૂબ જોરથી થયો હતો. આ બ્લાસ્ટ CRPF શાળા વિસ્ફોટ કરતાં પણ મોટો ગણાવ્યો હતો.

આજે દિલ્હીમાં PVR મલ્ટિપ્લેક્સ નજીક એક જોરદાર વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યાનુસાર સવારે 11:48 વાગ્યે પ્રશાંત વિહારમાં બંસી સ્વીટ્સ નામની દુકાન પાસે શંકાસ્પદ વિસ્ફોટ થયાની જાણકારી પીસીઆર કૉલ પર મળી હતી. જેના બાદ ફાયરબ્રિગેડના ચાર વાહનો અને 24 ફાયર ફાઈટર ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. બંસી સ્વીટ્સની નજીકમાં જ આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી પાસે થયો હતો. માહિતી અનુસાર વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે સફેદ પાઉડર જેવી વસ્તુ વિખેરાયેલી મળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ કયા પ્રકારનો છે. બ્લાસ્ટની સાથે પોલીસ કોલ કરનાર વ્યક્તિની ઓળખની પણ તપાસ કરી રહી છે.

NSG કમાન્ડો અને ડોગ સ્ક્વોડ તેમજ અન્ય નિષ્ણાતો પણ વિસ્ફોટ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટનાસ્થળે બ્લાસ્ટનાં કારણોની તપાસ કરી રહ્યા છે. NSGએ ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ યુનિટનું કાઉન્ટર બનાવ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.