બાંગ્લાદેશમાં ISKCONને મોટી રાહત, હાઇકોર્ટે પ્રતિબંધ લગાવવાનો કર્યો ઈનકાર

iskcon-bangladesh

બાંગ્લાદેશમાં ISKCONને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ISKCON પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે અમે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. તેથી હાલમાં આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી.

બાંગ્લાદેશમાં બુધવારે સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝ્ઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોય ચૌધરીની પીઠ સમક્ષ અરજી દાખલ કરીને ISKCON પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી.

સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલ દ્વારા ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગેની જાણકારી કોર્ટમાં આપી હતી. તેમણે કોર્ટને કહ્યું કે આ ઘટના પર સરકારનું વલણ કડક છે. આ મામલે અત્યાર સુધીમાં 3 કેસ સામે આવ્યા છે, જેમાં એક કેસમાં 13 લોકોને, એકમાં 14 લોકોને અને અન્યમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. CCTV દ્વારા વધુ 6 લોકોની ઓળખ કરવામાં આવી છે.

સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ એક્ટિવ છે, આરોપીની પૂછપરછ કર્યા બાદ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન, અરજી કરનાર વકીલે કહ્યું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું કે આનો નિર્ણય સરકાર કરશે.

ડેપ્યુટી એટર્ની જનરલ અસદુદ્દીને કહ્યું કે, માત્ર ચટગાંવમાં જ નહીં પરંતુ અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળો આ મુદ્દા પર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન એક ન્યાયાધીશે કહ્યું કે લોકોના જીવને વધુ નુકસાન ન થવું જોઈએ.

ISKCON પર પ્રતિબંધ મૂકવાની માગ પર જજોએ કહ્યું કે, સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે કામ કરી રહી છે અમે સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ અને અમને રાજ્યની જવાબદારીમાં વિશ્વાસ છે. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે, ‘આપણા દેશમાં તમામ ધર્મના લોકો ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે, પરસ્પર સન્માન અને પ્રેમ ક્યારેય નહીં ગુમાવશે. તેથી અરજદારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

ISKCON પાસે કયા વિકલ્પો છે?
બાંગ્લાદેશમાં ISKCONને તાત્કાલિક રાહત મળી હોવા છતાં પણ તેના પર સંકટ હજુ પણ યથાવત છે. હકીકતમાં કટ્ટરપંથી જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશના કાર્યકર્તાઓ સતત યુનુસ સરકાર પર ISKCON વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દબાણ કરી રહ્યા છે. બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે ISKCONને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું.

આવી સ્થિતિમાં હાઈકોર્ટે ISKCON પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો હોવા છતાં યુનુસ સરકાર દ્વારા ISKCON સામે કાર્યવાહીનો જોખમ તોળાઈ રહ્યું છે. તેથી ISKCON બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેન્ડાને નિષ્ફળ બનાવવાની લડાઈમાં આ 3 ઉપાયોનો ઉપયોગ કરી શકે છે.

  1. બાંગ્લાદેશમાં ચાલી રહેલી કાનૂની અને વહીવટી કાર્યવાહી સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ લડે.
  2. ISKCON એક આંતરરાષ્ટ્રીય મંચ છે, તેથી તેને વૈશ્વિક મંચ પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે ઉઠાવવો જોઈએ.
  3. ICCમાં બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે.

ઉલ્લેખનિય છે કે, ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે.

26 નવેમ્બરે ચટગાંવમાં ઈસ્કોન ચીફના જામીન નામંજૂર થયા બાદ થયેલી હિંસામાં વકીલ સૈફુલ ઈસ્લામનું મોત થયું હતું. આ પછી 27 નવેમ્બરે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.