બાંગ્લાદેશમાં ISKCON પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, યુનુસ સરકારે કહ્યું- આ કટ્ટરવાદી સંગઠન છે

bangladesh-iskcon

બાંગ્લાદેશમાં ISKCON નેતા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો મામલો જોર પકડી રહ્યો છે. બુધવારે એક વકીલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ISKCON પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCON પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

વકીલે તેમની અરજીમાં,અખબારના લેખો પણ રજૂ કર્યા છે જેમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી હંગામો અને હિંસાના અહેવાલો છે. હાઇકોર્ટમાં જસ્ટિસ ફરાહ મહેબૂબની બેંચ સમક્ષ ISKCON પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે.

દરમિયાન, બાંગ્લાદેશ સરકારે ISKCONને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે. બાંગ્લાદેશના એટર્ની જનરલે હાઈકોર્ટમાં કહ્યું કે આ સરકારનો મુખ્ય એજન્ડા છે અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતલબ કે ઈસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવશે.

એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે ISKCON એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. આના પર, કોર્ટે તેમને ISKCON પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સરકારને એલર્ટ રહેવા કહ્યું છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં.

આ અંગે હાઈકોર્ટના જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશીષ રોયની બેંચે જણાવ્યું હતું કે અગાઉ એક વકીલે ISKCON પર પ્રતિબંધ મૂકવા માટે અરજી કરી હતી અને ચિટગાંવમાં વકીલ સૈફુલ આલમની હત્યા સહિતની સમગ્ર પરિસ્થિતિ કોર્ટના ધ્યાન પર લાવી હતી. . તેના પર કોર્ટે હવે સરકારને પૂછ્યું છે કે ISKCON સંસ્થા શું છે? તે ક્યાંથી આવ્યું? તેના પર એટર્ની જનરલે કહ્યું કે તે કોઈ રાજકીય પક્ષ નથી પરંતુ ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા તેમણે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવાની માંગ કરી હતી.

આ સાથે જ આ ધાર્મિક જૂથે કોર્ટમાં ISKCONને કટ્ટરવાદી સંગઠન કહેવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ISKCONના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે કહ્યું છે કે કોઈ પણ સંસ્થા પર કોઈ પુરાવા વિના આ પ્રકારના આરોપો લગાવવા ખૂબ જ દુઃખદ છે.

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા.