જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા.
સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમા ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરીયા દ્વારા આ હુમલો કરાવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. સમગ્ર બનાવ મવડી કણકોટ પાર્ટી પ્લોટની બહાર બન્યો હોવાનું સામે આવ્યું છે. જેથી આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા.
રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ નજીક પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખોડલ ધામ અને સરદાર ધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર હુમલો થવાના મામલામાં પીઆઈ સંજય પાદરીયા સામે ગુનો નોંધાયો છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે, સામાજિક પ્રસંગના જમણવાર દરમિયાન જ જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જમણવાર પછી પાર્કિંગમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તે બાદ મારામારી પણ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જયંતિ સરધારાને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને લઈને જયંતિ સરધારાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જાનથી મારી નાંખવાની ધમકીનો આરોપ
હોસ્પિટલમાં લવાયા બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો આરોપ હતો કે, PI પાદરિયાએ એક પ્રસંગમાં ખુણામાં બોલાવીને ધમકી આપી હતી. જેમા તેમણે કહ્યુ હતુ કે, સરદાર ધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે. જે બાદ જાનથી મારી નાંખવાની પણ ધમકીનો આરોપ લગાવ્યો હતો.
પીઆઈ સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો
સમગ્ર મામલે ઉપપ્રમુખ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા કે તેમણે સરદાર ધામના ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા દ્વારા આ હુમલો કરાવામાં આવ્યો છે.
જંયતિભાઈનો આરોપ છે કે, પીઆઈ પાદરિયાએ માથાના ભાગે હથિયાર જેવા પદાર્થથી હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે, સૂત્રો પાસેથી પીઆઈ પાદરિયા રજા પર હોવાનું જાણવા મળ્યુ છે. પીઆઈના હથિયાર જમા કરાવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી બાજુ CCTV ફૂટેજમાં પણ પીઆઈ પાસે હથિયાર હોય તેમ લાગતું નથી.
સવાર સુધીમાં સમાધાન થાય તેવા પ્રયાસો
બીજી તરફ આ ઘટનાને લઈને સરદાર ધામ અને ખોડલધામ સાથે સંકળાયેલા અગ્રણીઓ દ્વારા સમાધાનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સવાર સુધીમાં સમાધાન થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે જે રીતે આ બનાવ સામે આવ્યો છે તેને લઈને હાલ જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે.