આજથી સંસદનું શિયાળુ સત્ર, અદાણી, મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

વકફ સુધારા, વન નેશન વન ઈલેક્શન, રેલવે સુધારા, બેંકિંગ કાયદા સુધારા બિલ’ લોકસભામાં લાવવામાં આવશે. આ સિવાય રાજ્યસભામાં ‘ભારતીય એરક્રાફ્ટ બિલ’ પર ચર્ચા કરવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર થી 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં 16 બિલો રજૂ કરવામાં આવશે. વિપક્ષ દ્વારા મણિપુર અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવવાની પુરી શક્યતા ધરાવે છે. સત્ર દરમિયાન ‘વન નેશન વન ઈલેક્શન’ પર ચર્ચા થઈ શકે છે.

18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર આજ સોમવાર (25 નવેમ્બર) થી શરૂ થશે. વર્તમાન લોકસભાનું ત્રીજું સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં કુલ 16 બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ‘મુસ્લિમ વકફ (સુધારા) બિલ’ અને ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ’ જેવા મહત્વના બિલોનો સમાવેશ થાય છે. ‘વન નેશન વન ઈલેક્શન’ બિલને લઈને પણ અટકળો ચાલી રહી છે.

સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજી
સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી. રાજનાથ સિંહે સત્ર દરમિયાન તમામ પક્ષોને સકારાત્મક ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તમામ પક્ષોને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ સત્રના સુચારૂ સંચાલનમાં તમામ પક્ષોએ સહકાર આપવો પડશે.

વકફ સુધારા બિલને લઈને હંગામો થવાની શક્યતા
શિયાળુ સંસદ સત્રમાં અન્ય ઘણા મહત્વના બિલ પણ રજૂ કરવામાં આવશે. તેમાંથી વકફ બિલને લઈને ગૃહમાં હોબાળો થવાની સંભાવના છે. ‘રેલવે સુધારા બિલ’ અને ‘બેંકિંગ કાયદા સુધારા બિલ’ લોકસભામાં લાવવામાં આવશે. આ સિવાય રાજ્યસભામાં ‘ભારતીય એરક્રાફ્ટ બિલ’ પર ચર્ચા કરવામાં આવશે, જે એરક્રાફ્ટ ઉત્પાદન અને સંચાલન માટે માર્ગદર્શિકા નક્કી કરશે.

વિપક્ષ સરકારને ઘેરશે
મંગળવારે સવારે ઈન્ડિયા બ્લોકના નેતાઓએ બેઠક યોજી હતી. બેઠકમાં સત્રની રણનીતિ ઘડવામાં આવી હતી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષ આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિપક્ષે મણિપુર, અદાણી મુદ્દો, વકફ બિલ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની યોજના બનાવી છે. વિપક્ષ સરકારને આ મુદ્દાઓ પર જવાબ આપવા દબાણ કરવાનો પ્રયાસ કરશે.

બંધારણ દિવસ પર વિશેષ સત્ર યોજાશે
26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી માટે સંસદની કોઈ બેઠક નહીં થાય. આ દિવસે વિશેષ કાર્યક્રમો યોજાશે. તમામ સાંસદોને આ દિવસે બંધારણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા યાદ કરાવવાની તક મળશે. જૂની પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બંધારણ અપનાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવા પર, મૈથિલી અને સંસ્કૃત ભાષાઓમાં બંધારણની એક નકલ બહાર પાડવામાં આવશે. આ પ્રસંગે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. વર્ષગાંઠ પર વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ પણ જારી કરવામાં આવશે