અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો એક સમયે જમાનો હતો. ભારતનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આજે પોતાની શાન ગુમાવી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ ગણાતા ભાવનગરના અલંગ ખાતે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવા તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગારી તેજ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલંગમાં 25 થી 35 વર્ષ જૂના 2000થી વધુ દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના અલંગમાં 30 વર્ષ પહેલાથી સરકારી જમીન પર 150 હેક્ટરમાં 150થી વધુ પ્લોટ પર વેપાર કરવામાં આવે છે. જેમાં અલંગના 150 તેમજ મણાર ગામના 120થી વધુ પ્લોટ ધારકોને પ્લોટ ખાલી કરવા તંત્રએ એક મહિના પહેલા નોટિસ ફટકારી હતી. જેને લઈને 35-36 જેટલાં પ્લોટ ધારકો સ્ટે માટે હાઈકોર્ટનો સહારો લીધો હતો, પરંતુ પ્લોટ ધારકોને કોર્ટમાંથી રાહત મળી ન હતી. જેથી તંત્ર દ્વારા આજે સોમવારે પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત સહિત એમ્બ્યુલન્સ સહિતની સેવાઓને સ્થળ પર સ્ટેન્ડબાય રખાઈ હતી.
સ્થાનિક પ્રશાસનનો દાવો છે કે સરકારી અને ગૌચરની જગ્યામાં 25-30 વર્ષથી દબાણો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ પ્લોટ ધારકોની મુદત વધારવાની માગ કરતી અરજી મંજૂર ન રાખતા આખરે 2000થી વધુ વિવિધ ગેરકાયદે દબાણો હટાવવા માટે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. તંત્રએ 10 JCB, 10 જેટલા ટ્રેક્ટરો અને 70 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.