રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં હત્યા, ચોરી-લૂંટ અને અકસ્માતની ઘટનાને લઇને સરકાર લાલઘૂમ થઇ છે. આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેટકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા. ઉપરાંત, અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને DCP પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા હતા અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુંથી આ અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી. આ બેઠકમાં શહેરની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અમદાવાદમાં નવેમ્બર મહિનામાં બનેલ ઘટના
10 નવેમ્બર 2024 – બોપલમા વિધાર્થીની હત્યા
11 નવેમ્બર 2024 – બોપલમાં જમીન દલાલની હત્યા
16 નવેમ્બર 2024 – એલિસબ્રિજ વિસ્તારમાં શાકના વિક્રેતાની હત્યા
18 નવેમ્બર 2024 – કાગડાપીઠ વિસ્તારમાં હત્યા
25 નવેમ્બર 2024 – બોપલ-આંબલી રોડ પર નશો કરીને અકસ્માત સર્જ્યો
ડાર્ક પોઈન્ટ પર પોલીસ બજાવશે ફરજ
અમદાવાદ શહેર પોલીસ સજ્જ તો છે સાથે વધુ સજ્જ બનશે કેમકે હવે બ્લાઈન્ડ સ્પોટ અને ડાર્ક સ્પોટ પર પોલીસ ફરજ બજાવશે,અમદાવાદમાં ખૂણા-ખાચરામાં ઘણી એવી જગ્યાઓ છે કે જયાં લોકેશન તો શું પણ મોબાઈલના ટાવર પણ આવતા નથી,આવી જગ્યાએ કંઈ બનાવ બને તો ત્યાં સુધી પહોંચવું અઘરૂ બનતું હોય છે.પોલીસે શોધેલા આ ડાર્ક પોઈન્ટ પર શી ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર રહેશ અને ફરજ બજાવશે.આવા સ્પોટ પર પોલીસ કંટ્રોલરૂમની સતત નજર પણ રહેશે.
અમદાવાદ પોલીસ સતર્ક મોડ પર
શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તો સજ્જ છે સાથે સાથે 181 અભિયમ ટીમ અને મહિલાની શી ટીમ પણ સારી કામગીરી કરી રહી છે.ત્યારે અમદાવાદ પોલીસના સર્ચમાં સામે આવ્યું છે કે,અમદાવાદ શહેરમાં 150 પોઈન્ટ એવા છે કે જયાં અવાવરૂ જગ્યા છે અને આસપાસ કંઈક જ નથી,બ્લાઈન્ડ સ્પોટ પાસેથી પસાર થતી મહિલાઓને પોલીસ સુરક્ષિત ઘર સુધી પહોંચાડી રહી છે. પોલીસ દ્રારા કંટ્રોલ રૂમ ખાતેથી તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષા એપનો ઉપયોગ કરવા આદેશ
સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે તેમજ પોલીસકર્મીઓને ફરજિયાત એપનો ઉપયોગ કરવા આદેશ કરાયો છે. સિનિયર સિટીઝનને પણ એપનો ઉપયોગ કરવા રજૂઆત કરાઈ છે. તો શી-ટીમના કર્મચારીઓને વૃદ્ધોના સંપર્કમાં રહેવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ટાસ્ક ફોર્સને લઈ ખાસ ધ્યાન રાખશે અને જરૂર મૂજબ સૂચનાઓ પણ આપતા રહેશે. કોઈ પણ પોલીસકર્મી કે જેને આ જવાબદારી સોંપવામાં આવી છે, તે કામગીરીમાંથી છટકી શકશે નહી.