કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની શાનદાર જીત, 4 લાખ કરતા વધુ વોટથી જીત્યા

priyanka-gandhi

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ અને નાંદેડ પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 617942 મત મેળવીને ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે. CPI ઉમેદવાર સત્યન મોકેરી બીજા નંબરે અને ભાજપના નવ્યા હરિદાસ ત્રીજા ક્રમે છે.

વાયનાડ લોકસભા પેટાચૂંટણી એ પ્રિયંકા ગાંધીની પ્રથમ ચૂંટણી હતી. આ ચૂંટણીમાં પ્રિયંકા પોતાનો ઝંડો લહેરાવીને 4 લાખ મતથી આગળ છે. આ ચૂંટણી દ્વારા પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. એવું પહેલીવાર બન્યું કે ગાંધી પરિવારના બધા જ સભ્યો એટલે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદ સભ્ય બનશે.

ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે.

નોંધનીય છે કે આ જ બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં 3,64,422 મતોથી વિજયી થયા હતા. જયારે પ્રિયંકા ગાંધીએ 4,08,036 મતોથી લીડ મેળવી છે.

વાયનાડ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠક છે. તેમાં કોઝિકોડ જિલ્લામાં મનંતવડી (રિઝર્વ), સુલતાન બાથેરી (રિઝર્વ), કાલપેટ્ટા, તિરુવંબડી અને મલપ્પુરમ જિલ્લામાં નિલામ્બુર, ઈરાનાડ અને વાંદૂર બેઠકોનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી. જેના કારણે આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.

વાયનાડમાં પ્રિયંકા સહિત 16 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ બેઠક પરથી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના ઉમેદવાર છે. જ્યારે તેની સામે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ની આગેવાની હેઠળના ડાબેરી લોકશાહી મોરચાના ઉમેદવાર સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ના ઉમેદવાર નવ્યા હરિદાસ છે.

ભાજપના નવ્યા હરિદાસને હરાવીને પ્રિયંકાની જીત
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતા.

આ વખતે વાયનાડમાં લગભગ 65 ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 74 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, 2019 લોકસભા ચૂંટણીમાં, અહીં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.