Women’s Asian Champions Trophy : ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ બિહારના રાજગીરમાં ભારત અને ચીન વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતની મહિલા હોકી ટીમે 1-0થી ભવ્ય વિજય મેળવ્યો છે. ફરી એકવાર ભારતીય મહિલા ટીમ બાજી મારી અને ચેમ્પિયન બની ગઇ છે. ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ જીત્યો છે.
દીપિકાએ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતની મિનિટોમાં ગૉલ કર્યો, જેના આધારે બિહારના રાજગીર હૉકી સ્ટેડિયમમાં આયોજિત મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી હૉકીની ફાઇનલમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું, અને ત્રીજી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો. દીપિકાએ પેનલ્ટી કૉર્નરમાંથી શાનદાર રિવર્સ હિટ દ્વારા ટૂર્નામેન્ટનો પોતાનો 11મો ગૉલ કર્યો. અગાઉ પ્રથમ બે ક્વાર્ટરમાં કોઈ ગૉલ થયો ન હતો, પરંતુ ભારતે ત્રીજા ક્વાર્ટરમાં એક વખત ગૉલ કરીને લીડ મેળવી હતી અને તેને અંત સુધી જાળવી રાખી હતી.
અગાઉ ભારતે સેમિ ફાઈનલમાં જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિ ફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો.