ભારત જાપાનને હરાવી ફાઇનલમાં પહોંચ્યુ, હોકી મેચમાં 2-0થી શાનદાર જીત, ફાઈનલ મેચ 20 નવેમ્બરે રમાશે

india-beat-japan

ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સામે થશે

મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો ચીન સાથે થશે જેણે પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયાને 3-1થી હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની આ ટુર્નામેન્ટ રાજગીર, બિહારમાં રમાઈ રહી છે અને ભારત અને ચીન વચ્ચેની ફાઈનલ મેચ 20 નવેમ્બરે રમાશે. જાપાન સામેની રોમાંચક સેમિફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

આ સેમિફાઇનલ મેચ એટલી રોમાંચક હતી કે 15-15 મિનિટના પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા, પરંતુ છેલ્લી 15 મિનિટમાં જાપાનની ટીમ દબાણમાં સરી પડી હતી. છેલ્લા ક્વાર્ટરની શરૂઆતના માત્ર 2 મિનિટ બાદ ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને નવનીત કૌરે ગોલમાં ફેરવીને ટીમ ઈન્ડિયાને 1-0ની સરસાઈ અપાવી. મેચ સમાપ્ત થવામાં માત્ર 4 મિનિટ બાકી હતી, ત્યારે 56મી મિનિટે લાલરેમસિયામીએ જાપાની ગોલકીપરને ચકમો આપીને ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી.

ભારતનો મુકાબલો ચીન સામે થશે

હવે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સામે થશે. આ અથડામણ 20 નવેમ્બરે બિહારના રાજગીરમાં થશે. એક તરફ ભારતે જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે તો બીજી તરફ ચીને મલેશિયાને 3-1થી હરાવીને ટાઈટલની ટક્કરમાં જગ્યા બનાવી છે.

મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો. ચીનને છેલ્લી ત્રણ વખત ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે તે ફાઇનલમાં પ્રવેશવામાં આખરે સફળ રહ્યું છે.