ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા કૌભાંડ આચરતી હોસ્પિટલો પર કડક પગલા લેવામાં આવ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આજે સવારે PMJAYમાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે હોસ્પિટલ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તેમાં અમદાવાદની 3 (ખ્યાતિ હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર પ્રા. લિ.), સુરતની 1(સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ),વડોદરાની 1(સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ), રાજકોટની 1(નિહિત બેબીકેટ ચિલ્ડ્રન હોસ્પિટલ) અને ગીર સોમનાથની 1(શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા) હોસ્પિટલનો સમાવેશ થાય છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. આલ, મહેન્દ્ર સોલંકી સહિતની ટીમ યુ. એન. મહેતા હોસ્પિટલના ડોક્ટર અને PMJAY વિભાગ સાથે કનેક્ટેડ એક્સપર્ટને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. અહીં એક્સપર્ટ ડોક્ટરની હાજરીમાં મહત્ત્વના પેપર તપાસવાના હોવાથી અને જે જગ્યાએ ઓપરેશન થયું હતું એ તમામ જગ્યાએ ખૂટતી વિગતો મેળવવા માટે સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.
Pmjay અંતર્ગત થતા ઓપરેશનોની પણ રેન્ડમ ચકાસણી કરાશે.
ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ કરાશે. છેલ્લા એક વર્ષ અને તેનાથી વધુ સમયની પણ ખ્યાતિ હોસ્પિટલના કેસોની તપાસ કરાશે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશનો અને તેની ફાઈલો આરોગ્ય વિભાગ ચકાસણી કરશે. Pmjay અંતર્ગત થતા ઓપરેશનોની પણ રેન્ડમ ચકાસણી કરાશે. રાજ્યભરમાં શંકાસ્પદ કેસો લાગે તો તેના પણ વિસ્તૃત રિપોર્ટ વિભાગ મંગાવશે. કોઈ હોસ્પિટલોના ઓપરેશન વધુ થતા હશે તો તેની ડિટેલ પણ મંગાવાશે. જો આ કેસોમાં ગેરરીતી સામે આવે તો કાર્યવાહી કરાશે.
આ હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ
આ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા
નિહિત બેબી કેર હોસ્પિટલ(રાજકોટ)નું કૌભાંડઃ
523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું
રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ દ્વારા બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે મેળવી હતી, જેમાં તેમણે સ્વસ્થ બાળકોને બીમાર બતાવ્યાં હતાં. આ માટે તેણે લેબ સાથે પણ સાઠગાંઠ કરી હતી. બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડો. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા નિહિત બેબી કેર હોસ્પિટલને રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નિહિત બેબી કેર હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી, રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકાર્યો
ગાંધીનગર આરોગ્ય વિભાગે નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે. ત્યારે ડો. હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી-ઓથ એપ્રૂવલ માટે મૂક્યા હતા. હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતાં આ 116 કેસ રિજેક્ટ કરવામાં આવ્યા છે તેમજ એની પ્રી-ઓથ એપ્રૂવર્ડ રકમ રૂ. 65,47,950 થાય છે. એની 10 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે સરકાર વસૂલશે અને તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ(વડોદરા) 3 મહિના માટે બ્લેકલિસ્ટ
વડોદરાના માંજલપુર ખાતે આવેલી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને ડોક્યુમેન્ટમાં ક્ષતિના કારણે અઠવાડિયા પહેલાં જ ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલના યુનિટ હેડ ડો. મિનલ સોલંકીએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ 10 વર્ષથી આયુષ્માન કાર્ડમાં સેવા આપે છે. હોસ્પિટલની ઓન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાંથી 3 માસ માટે દૂર કરવામાં આવી છે. આથી કેન્સરને લગતી સારવાર ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાં કરી શકાય નહીં.
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ(અમદાવાદ)નું કૌભાંડઃ
છેલ્લા 6 મહિનામાં PMJAY યોજનાના 3,66,87,143 રૂપિયા ખંખેર્યા
અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે બોરીસણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. તેમાં 7માંથી 2 લોકોનાં મોત થઈ ગયાં છે. ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા 6 મહિનામાં ખોટી રીતે સારવાર, ઓપરેશન કરીને સરકાર પાસેથી PMJAY યોજનાના 3,66,87,143 રૂપિયા ખંખેરી લીધા છે.